શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ લોન્ચિંગ કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના શ્રમિકોની સુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં ૧૭ જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે.
આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે. શ્રમિક બસેરા તૈયાર થતાં શરૂઆતમાં ૧૫ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ ૧૭ સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી, શ્રમિકોને તેમના કામકાજના નજીકના સ્થળે જ મૂળભૂત સુવિધાઓથી સજ્જ પ્રીફેબ્રિકેટેડ આવાસો આપવામાં આવશે. આ યોજનાના પારદર્શી અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે.
બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને વિવિધ યોજનાઓથી તેમની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે રાહતદરે પાંચ રૂપિયામાં ભોજન આપતા ૨૯૧ અન્નપૂર્ણ ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે જેમાં અત્યાર સુધીમાં ૨.૯૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે. દૈનિક ૩૨૦૦૦થી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવે છે.