૨૦૦ કરોડની કરચોરી ઝડપાઈ જેનો આંકડો વધવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના ૨૫ સ્થળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે રૂ. ૨૦૦ કરોડની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની વકી છે.
અમદાવાદમાં વિવિધ સ્ક્રેપ ડીલર્સના ત્યાં દરોડા પાડ્યા હતાં. જેમાં ઓઢવમાં એક કંપનીના માલિકે પોતાના અને પત્નીના નામે ચાલતી કંપનીઓમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જામનગર અને રાજકોટમાં પણ તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. DGGI એ બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
રાજકોટમાં DGGI અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં બેઝ ઓઈલની આયાત સંબંધિત મોટાપાયે કરચોરી કરી હોવાનો આરોપ છે. હાલ તપાસ ચાલી રહી છે. જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોદામો અને ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. ત્રણ દિવસ પહેલાં આણંદ શહેરના કાપડના વેપારીઓ સહિત ૧૦ સ્થળોએ સ્ટેટ GST અને વડોદરા GST વિભાગની ટીમે દરોડા પાડયા હતા.
GST અધિકારીઓ દ્વારા બંધ બારણે બિલો, બેન્ક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી. દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતાં. ગુજરાતમાં સ્ક્રેપ ડીલર્સ અને બેઝ ઓઈલ વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ ચાલુ હોવાથી આ કરચોરીના કૌભાંડનો આંકડો રૂ. ૨૦૦ કરોડથી વધશે.