વેપારીએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કચેરીમાં કરી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં GST અધિકારીઓની દાદાગીરી વધતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલના વેપારી પાસેથી કેસ દાખલ ના કરવાને લઈને ૨૭ લાખ રૂપિયાની માંગણી કરી હતી . મોબાઈલ વેપારીએ ૪૦ લાખ રૂપિયાનો GST ભરવાનો હતો. પરંતુ વેપારીએ GST ના ૪૦ લાખ ભરવા ઉપરાંત વધુ ૨૭ લાખ ભર્યા હોવાની પોલીસની કમિશ્નર કચેરી ઉપરાંત ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કચેરીમાં પણ ફરિયાદ કરી હતી.
શહેરમાં લાલ દરવાજા ખાતે આવેલ GST કચેરીના અધિકારીઓએ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. મોબાઈલના એક વેપારીની દુકાનમાં દરોડા પાડયા ત્યારે જો રકમ આપવામાં આવશે તો કાર્યવાહી બંધ કરવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું. એટલે કે અધિકારીક રીતે દરોડાની કાર્યવાહી સમેટી લેવા વેપારીને રોજના ૨ લાખ આપવાની ઓફર કરાઈ હતી. એક શખ્સ રૂપિયા લઈ આ તમામ કામ કરી આપશે તેમ જણાવવામાં આવ્યું હતું. દરોડાની ઝંઝટમાંથી દૂર રહેવા વેપારી માંગણી મુજબ રૂપિયા આપવા તૈયાર થયો. વેપારીએ રૂપિયા આપવાની તૈયારી બતાવતા દરોડાની કાર્યવાહી અટકાવવામાં આવી. પરંતુ થોડા સમયમાં ફરી ચાલુ કરી દેવામાં આવી હતી.
મોબાઈલના વેપારીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે જ્યારે તેમણે રૂપિયા આપવાની તૈયારી બતાવ્યા બાદ સેટલમેન્ટ માટે મોટી રકમ માંગવામાં આવી. જો સરકારી ચોપડે નામ જશે તો મોટી રકમ જમા કરાવવાનું કહી વેપારીને ડરાવવામાં આવ્યો. આમ કહી વેપારી પાસેથી ૨૭ લાખ GST અધિકારીઓએ પડાવી લીધા. અને રૂપિયા લીધા બાદ દરોડાનો કેસ ના બનાવવા વેપારી પાસેથી ૨૭ લાખ લેવામાં આવ્યા. અને તેના બાદ જીએસટી પેટે ૪૦ લાખ રૂપિયા ભરાવ્યા હતા. વેપારીએ GST અધિકારીઓને મોટી રકમ આપવા છતાં કામ સરખું ના થતા ફરિયાદ કરી હતી.
એન્ટિ કરપ્શન બ્યુરો, અમદાવાદના પોલીસ કમિશનર અને લાલદરવાજાની જીએસટી કચેરીમાં બેસતા કમિશનરને ફરિયાદની નકલ મોકલવા છતાં હજુ સુધી અધિકારીઓ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જીએસટી અધિકારીઓ તેમની સત્તા અને વહીવટીતંત્રના નિયમોનો દુરુપયોગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દરોડા પાડીને અધિકારીઓ વેપારીઓને નાણાંકીય રીતે ખંખેરતાં હોવાની ફરિયાદો વધવા માંડી છે.