Last Updated on by Sampurna Samachar
અત્યારસુધીનું સૌથી વધુ રૂ. ૨૨.૦૮ લાખ કરોડ નોંધાયું
આવનારા વર્ષોમાં GST કલેક્શનમાં વધુ વધારો થઇ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST લાગુ થયા પછીથી સરકારી તિજોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫માં સરકારે રૅકોર્ડ બ્રેક GST કલેક્શન કર્યું હતું. આ સાથે સરકારની તિજોરીમાં ટેક્સ મારફત થતી કમાણી પાંચ વર્ષમાં બમણાથી વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારનું GST કલેક્શન બમણાથી વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી વર્ષોમાં GST કલેક્શનમાં વધુ વધારો જોવા મળી શકે છે.
કુલ GST કલેક્શન પાંચ વર્ષમાં બમણું થઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨.૦૮ લાખ કરોડ રૂપિયાના રૅકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧.૩૭ લાખ કરોડ રૂપિયા હતું. ૨૦૨૪-૨૫માં GST કલેક્શન અગાઉના વર્ષની તુલનાએ ૯.૪ ટકા વધ્યું હતું. આ કલેક્શન પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે લગભગ બમણું થયું હતું.
કરદાતાઓની સંખ્યા આઠ વર્ષમાં ૧.૫૧ કરોડથી વધી
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં માસિક ધોરણે સરેરાશ રૂ. ૧.૮૪ લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે ૨૦૨૩-૨૪માં રૂ. ૧.૬૮ લાખ કરોડ અને ૨૦૨૧-૨૨માં રૂ. ૧.૫૧ લાખ કરોડ હતું. નિષ્ણાતોના મતે, આગામી વર્ષોમાં માસિક ધોરણે સરેરાશ રૂ. ૨ લાખ કરોડ GST કલેક્શન નોંધાવાની શક્યતા છે. GST હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા ૨૦૧૭માં ૬૫ લાખ હતી. જે આઠ વર્ષમાં ૧.૫૧ કરોડથી વધી છે.
છેલ્લા આઠ વર્ષના કરદાતાઓની સંખ્યા પર નજર કરીએ તો GST ના અમલીકરણ બાદ કરદાતાઓની સંખ્યા સતત વધી છે. સાથે સાથે GST કલેક્શન પણ વધ્યું છે. પરોક્ષ કરવેરા પ્રણાલી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની છે. ૨૦૨૪-૨૫માં GST કલેક્શન અત્યારસુધીનું સૌથી વધુ રૂ. ૨૨.૦૮ લાખ કરોડ નોંધાયું છે. જે વાર્ષિક ધોરણે ૯.૪ ટકા વધ્યું છે.