નવેમ્બર ૨૦૨૪માં ભારતનું GST કલેક્શન ૮.૫% વધીને રૂ.૧.૮૨ લાખ કરોડ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નવેમ્બર ૨૦૨૪માં ભારતનું GST કલેક્શન ૮.૫% વધીને રૂ. ૧.૮૨ લાખ કરોડ થયું છે. GST કલેક્શનમાં વધારો એટલે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવેમ્બરના આ કલેક્શનથી એપ્રિલથી નવેમ્બર સુધી કુલ GST કલેક્શન ૧૪.૫૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર ૨૦૨૪માં પણ GST કલેક્શનમાં ૯%નો વધારો નોંધાયો હતો. ઓક્ટોબર માટે કુલ કલેક્શન રૂ. ૧.૮૭ લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન હતું. સ્થાનિક વેચાણમાં વધારો અને વધુ સારા અનુપાલનનો આમાં મહત્વનો ફાળો હતો.
ઓક્ટોબર કલેક્શન
સેન્ટ્રલ GST (CGST) : ૩૩,૮૨૧ કરોડ
સ્ટેટ GST (SGST) : ૪૧,૮૬૪ કરોડ
ઇન્ટિગ્રેટેડ GST (IGST) : ૯૯,૧૧૧ કરોડ
સેસ : ૧૨,૫૫૦ કરોડ
GST કલેક્શનમાં વધારો થવાથી સરકારને વિકાસ કાર્યોમાં વધુ રોકાણ કરવાની તક મળે છે. આનાથી રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સેવાઓમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. વધુમાં, હાઈ GST કલેક્શન દર્શાવે છે કે અર્થતંત્રમાં માંગ અને વપરાશ વધી રહ્યો છે. આ પણ કંપનીઓના વેચાણ અને સેવાઓમાં વૃદ્ધિનો પુરાવો છે. જોકે, GST કલેક્શનમાં વધારો એ મોંઘવારીનો સંકેત પણ હોઈ શકે છે. ઘણી વખત કંપનીઓ ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખે છે, જેનાથી ભાવ વધે છે.
તાજેતરમાં, GST કાઉન્સિલના પ્રધાનોના જૂથે આરોગ્ય વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરવા અને અન્ય દરોમાં ફેરફાર અંગેનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. જેસલમેરમાં ૨૧મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે ર્નિણય લેવામાં આવી શકે છે. મોટા સંભવિત ફેરફારો વિશે વાત કરીએ તો, આરોગ્ય અને જીવન વીમા પર GST દૂર કરવા અથવા દર ઘટાડવા અંગે વિચારણા કરી શકાય છે. આ સિવાય ઘણી રોજિંદી વસ્તુઓ પર GST દર ૧૨% થી ઘટાડીને ૫% કરવાનો પ્રસ્તાવ છે.