Last Updated on by Sampurna Samachar
મુસાફરોને મુસાફરીમાં નહીં પડે હાલાકી
બસો સુરતથી જુદા જુદા શહેરો અને ગામડાઓ માટે ઉપડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, સુરતથી વતન જતા લોકોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ વર્ષે, કુલ ૧૬૦૦ જેટલી વધારાની બસો સુરતથી જુદા જુદા શહેરો અને ગામડાઓ માટે ઉપડશે.
આ બસો મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દાહોદ જેવા વિસ્તારોમાં જશે, જ્યાં દિવાળી દરમિયાન મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. સુરતમાં નોકરી કે ધંધા અર્થે રહેતા હજારો લોકો તહેવારો ઉજવવા પોતાના વતન જતા હોય છે, જેના કારણે સામાન્ય બસોમાં જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે. આ વધારાની બસોથી મુસાફરોને મોટી રાહત મળશે.
GSRTC દ્વારા આયોજનબદ્ધ વધારાની બસ સેવા શરૂ
આ વધારાની બસો આગામી ૧૬મી ઓક્ટોબર થી ૧૯મી ઓક્ટોબર તારીખ દરમિયાન દોડાવવામાં આવશે. આ સમયગાળામાં મુસાફરોની સૌથી વધુ અવરજવર રહે છે. મુસાફરો પોતાની ટિકિટનું બુકિંગ સરળતાથી ઓનલાઈન કરી શકશે, જેથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.
આ ર્નિણયથી મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચવામાં મદદ મળશે. GSRTC દ્વારા આયોજનબદ્ધ રીતે આ વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે જેથી દિવાળીના તહેવારો દરમિયાન કોઈને પણ મુસાફરીમાં અગવડ ન પડે.
એકસ્ટ્રા ઉપડનાર બસોનુ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામા આવેલ બુકિંગ એજન્ટો,મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ ઉપરથી પણ ઓનલાઇન ટીકીટનુ બુકિંગ કરી શકાશે.