Last Updated on by Sampurna Samachar
મારામારીમાં બંને પક્ષના અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી
બંને જૂથના લોકોએ જાહેરમાં લાકડીઓ વડે મારામારી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ જિલ્લાના રાધનપુરમાં પ્રેમ-પ્રકરણ મામલે બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આ ઘટના બે-ત્રણ દિવસ પહેલાં બની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુર તાલુકાના ભીલોટ ગામમાં રહેતા એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા બંને પરિવારો વચ્ચે અદાવત ઊભી થઈ હતી. આ અદાવતમાં જ ગામના બે જૂથો સામ-સામે આવી ગયા હતા. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંને જૂથના લોકોએ જાહેરમાં લાકડીઓ વડે મારામારી કરવાનું શરૂ કરી દીધું હતું.
કુલ ૨૧ લોકો સામે ફરિયાદ નોંધાઇ
વિગતો મુજબ, યુવતીને પરત આપવા બાબતે બોલાચાલી થયા બાદ આ હિંસક અથડામણ થઈ હતી. સામ-સામે થયેલી આ મારામારીમાં બંને પક્ષના અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બન્ને પક્ષોના કુલ ૧૩ વ્યક્તિઓ સામે નામ જોગ અને ૮ અજાણ્યા શખ્સો મળીને કુલ ૨૧ લોકો સામે ફરિયાદ નોંધી છે. રાધનપુર પોલીસે વીડિયો ફૂટેજ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.