Last Updated on by Sampurna Samachar
વરરાજાને “તું તો ભિખારી છે ” તેમ કહેતા થયો હોબાળો
જાનૈયાઓને રૂમમાં બંધક બનાવી મારામારી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેહરાદૂનમાં લગ્ન પ્રસંગમાં સાળીઓની જીજાજીની સાથે જૂતા ચોરવાની રસમમાં મારામારી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દેહરાદુનના ચકરૌતાથી ગઢમલપુર આવેલી જાનમાં ત્યારે હોબાળો મચી ગયો હતો. જેમાં જૂતા ચોરવાની રસમને લઈને બંને પક્ષમાં વિવાદ થઈ ગયો હતો. દુલ્હન પક્ષે વરરાજા અને તેના પિતા અને પરિવારને બંધક બનાવી મારપીટ કરી હતી.
હકીકત એ છે કે દેહરાદૂનના ચકરૌતા રહેવાસી નિસાર અહમદના પુત્ર સાબિરના લગ્ન ગઢમલપુરના રહેવાસી ખુર્શીદની દીકરી સાથે નક્કી થયા હતા. સવારે દેહરાદૂનથી જાન આવ્યા બાદ નિકાહ બાદ લગ્નની રસમો ચાલી રહી હતી. આરોપ છે કે, જૂતા ચોરવાની આ રસમ દરમ્યાન કન્યા પક્ષે ચોરેલા જૂતા પાછા આપવા માટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે વર પક્ષે આટલી મોટી રકમ આપવાની ના પાડી દીધી. બાદમાં વર પક્ષ પચાસ હજારની જગ્યાએ ૫ હજાર રૂપિયા આપવા માટે રાજી થઈ ગયો.
મામલો પોલીસ સુધી પહોંચી ગયો
તેના પર દુલ્હનના પરિવારની અમુક મહિલાએ વરરાજાને કહ્યું કે, “તું તો ભિખારી છે.” જેને લઈને જાનૈયા અને માંડવિયાના પરિવાર વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. જોતજોતામાં બંને પક્ષ એકબીજા સાથે લડવા લાગ્યા હતા. આરોપ છે કે, દુલ્હન પક્ષના લોકોએ વરરાજા અને તેના પિતા તથા પરિવારના લોકોને રૂમમાં બંધક બનાવી માર માર્યો હતો. ત્યારબાદ લગ્ન અટકી ગયા અને આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.
વર પક્ષ તરફથી જૂતા ચોરવાની ઘટના બાદ અપશબ્દોનો ઉપયોગ કરવા અને તેમને રૂમમાં બંધક બનાવી માર મારવાનો આરોપ લગાવ્યો છે. આ બાજુ દુલ્હન પક્ષનો આરોપ હતો કે, દહેજ લઈને વર પક્ષ તેમના પર દબાણ બનાવી રહ્યો હતો. બે લાખનો ચેક પણ લખ્યો હોવાની વાત પોલીસ જાણકારીમાં આવી છે. મોડી રાત્રે બંને પક્ષ વચ્ચે સમાધાનની બોલી. સીઓ નીતેશ પ્રતાપ સિંહે કહ્યું કે, “આ મામલે તપાસ ચાલી રહી છે.”