મહેસાણા ફૂડ ખાતાની ટીમે દરોડા પાડી ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે વરિયાળીનો વેપલો કરતી પેઢીમાં મહેસાણા ફૂડ ખાતાની ટીમે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન કીર્તિ ટ્રેડિંગ નામની પેઢીમાં નકલી વરિયાળીનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પેઢી દ્વારા વરિયાળીને લીલો કલર કરાતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જિલ્લા ફૂડ અધિકારીના જણાવ્યા અનુસાર, નકલી વરિયાળીનો ધંધો કરતી પેઢી સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર દરોડા દરમિયાન મહેસાણા ફૂડ વિભાગે કલર, વરિયાળી સહિત ૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફૂડ ખાતાની ટીમને મળેલી બાતમીના આધારે, ટીમે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, ભૂખરી વરિયાળી પર લીલો રંગ ચઢાવી આકર્ષક બનાવવામાં આવતી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર જે. જે પ્રજાપતિ દ્વારા વરિયાળી અને લીલા રંગના નમૂના લઈ અંદાજિત ૧.૨૭ લાખનો ૧૯૫૫ કિલો વજનનો જથ્થો ઝડપી લીધો હતો. આ તમામ જથ્થો માનવ આરોગ્ય માટે જાેખમી હોવાથી તેને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો હતો.
હાલ, આ પેઢી કલરવાળી વરિયાળીનું વેચાણ ક્યાં-ક્યાં કરતી હતી તે વિશે વધુ તપાસ હાથ કરવામાં આવી રહી છે. આ સિવાય સ્થળ પર હાજર વ્યક્તિ હેમારામ ચારણ અને પેઢીના માલિક રામગોપાલ બાજોરિયા વુરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા જિલ્લામાં ધમધમતી જીરૂ, વરિયાળીની ફેક્ટરીઓમાં ભેળસેળ અટકાવવા માટે પગલાં લેવાયા હતાં. જે માટે આરોગ્ય સાથે ચેડાં કરતી ભેળસેળ કરતી પેઢીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક કક્ષાએ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. જાે કે, ટાસ્ક ફોર્સના ખાઇબદેલાં કર્મચારીઓને ગોબાચારી કરતી ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં લાજ-શરમ આવતી હોય તેમ નિષ્ક્રિય બની ગયા હતાં. હદ તો ત્યારે થતી જ્યારે ફૂડ તંત્રના જિલ્લા અધિકારીની સૂચના-આદેશોને પણ અવગણતા.
જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરજ પ્રત્યે બેદરકાર રહેતાં હોવાના કારણે ઉચ્ચે અધિકારીઓએ ફૂડ વિભાગના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે, જો જિલ્લા ફૂડ અધિકારીને બાતમી મળતી હોય તો તેમના તાબાના કર્મચારીઓને કેમ નહીં મળતી હોય તે સવાલ પણ ઊભો થાય છે.