Last Updated on by Sampurna Samachar
ગુજરાત હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક આદેશ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્લાસ્ટિક વેસ્ટના યોગ્ય નિકાલના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અંગે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ ન કરતી મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓ સામે યોગ્ય પગલાં લો.
ગુજરાત હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની પણ ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે GPCB ખાલી હાથ પર હાથ ધરીને બેસી રહેવા માટે નથી. તેણે કોઈપણ પ્રકારની કામગીરીનું ફક્ત નિરીક્ષણ કરીને જ સંતોષ માનવાનો નથી, પરંતુ તે કામગીરી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે જોવાનું પણ છે. તેની સાથે કચરા નિકાલની કાર્યવાહી યોગ્ય રીતે ન કરનારી પાલિકાઓની સામે તેણે કાર્યવાહી પણ કરવી જોઈએ.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના મુદ્દે GPCB એ કોઈની શેહ કે શરમમાં આવ્યા વગર કામ કરવાનું છે. તેણે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની શરમ રાખવાની નથી. ઉલ્લેખનીય છે કે ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી. અરજી પર થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આદેશ કર્યો હતો.
ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ મોટી સમસ્યા છે. તેમા પણ વિવિધ મનપા અને નપાનું તેના અંગેનું ઉદાસીન વલણ આ સમસ્યામાં વધારો કરે છે. તેના લીધે નગરો કચરાના ઢગ જેવા બની રહ્યા છે. આજે પ્લાસ્ટિક વેસ્ટને લઈને સ્થિતિ એટલી વણસી ગઈ છે કે તેના માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવું પડે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી હવે શહેરો તો ઠીક પણ ગીર જેવા અભયારણ્યો પણ બાકાત રહ્યા નથી. પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે સ્થિતિ વકરતી જોઈને ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે અને તેણે GPCB ને નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી છે.