Last Updated on by Sampurna Samachar
ખાનગી વાહનો માટે ૩,૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ
આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવા વાર્ષિક ટોલ પાસને કાર ચાલકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સરકારે ૧૫ ઓગસ્ટ ૨૦૨૫થી તેનો અમલ શરૂ કર્યો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેને કાર ચાલકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ પછી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે નવી ટોલ સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે અને મુસાફરી પણ પહેલા કરતા સસ્તી થશે.

આ ઉપરાંત ગડકરીએ કહ્યું કે, પોલ્યુશન ઘટાડવા માટે ૧૦ નેશનલ હાઈવે પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક કોરિડોર બનાવવામાં આવશે. ગડકરીએ બસ અને કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભારત પ્રવાસ એવોર્ડ સમારોહમાં કહ્યું કે, અમે બસ ઓપરેટરો માટે ટોલ પોલિસી બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ૧૫ ઓગસ્ટ પહેલા પ્રાઈવેટ કાર, જીપ અને વાન માટે ૩,૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો છે. આ પાસ એક વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ સુધી વેલિડ છે. હવે બસ ઓપરેટરોને પણ સરકાર દ્વારા આવી જ રાહત આપવાનું વિચાર કરવામાં આવી રહ્યો છે.
૭૫૦ સ્થળોએ પ્રાઈવેટ જમીન પર રેસ્ટ હાઉસ બનાવાશે
ગડકરીએ જણાવ્યું કે, પોલ્યુશનનું લેવલ ઘટાડવા માટે ૧૦ હાઇવે પસંદ કરવામાં આવ્યા છે. આ હાઇવે પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક ચલાવવામાં આવશે. આ હાઇવે પર ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ પેટ્રોલિયમ હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન બનાવશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને વોલ્વોએ હાઇડ્રોજન ટ્રક બનાવવાનું શરૂ કરી દીધું છે.
આ કોરિડોરમાં ગ્રેટર નોઇડા-દિલ્હી-આગ્રા, ભુવનેશ્વર-પુરી-કોણાર્ક, અમદાવાદ-વડોદરા-સુરત, સાહિબાબાદ-ફરીદાબાદ-દિલ્હી, જમશેદપુર-કલિંગનગર, તિરુવનંતપુરમ-કોચી અને જામનગર-અમદાવાદ રૂટનો સમાવેશ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ૭૫૦ સ્થળોએ પ્રાઈવેટ જમીન પર રેસ્ટ હાઉસ બનાવી રહી છે. આમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓ હશે. આ પગલાં પરિવહન અને પર્યાવરણ માટે ફાયદાકારક છે.