Last Updated on by Sampurna Samachar
અચાનક આયોજન કરેલા પ્રસંગમાં જે યાદ આવ્યા તેને આમંત્રણ અપાયું
સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે.
આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો
જ્યારે વિક્રમ ઠાકોરે અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારે આ બાબતે જે તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી નહતી, પરંતુ ભાજપ સાંસ્કૃતિક સેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર વિવાદમાં રહી રહીને સરકારે આપેલા નિવેદનથી ઉડીને આંખે વળગે તેવો વિરોધાભાસ પણ જાેવા મળ્યો. ભાજપ સાંસ્કૃતિક સેલે કહ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો, જ્યારે આજે રવિવારે સરકારના પ્રવક્તા મંત્રી કહ્યું કે આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. જો કાર્યક્રમ સરકારી ન હતો તો પછી સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપવાની કેમ જરૂર પડી? એ પણ મોટો સવાલ છે.