Last Updated on by Sampurna Samachar
૯૪.૭૧ લાખ રેશનકાર્ડધારકો કરદાતા
રેશનકાર્ડ ધારકોને અનાજ સંપૂર્ણપણે મફત અપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલી વાર કેન્દ્ર સરકારે એવા રેશનકાર્ડધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા માટે લાયક નથી. આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ, ફોર વ્હીલર માલિકો અને કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ, માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રેશનકાર્ડધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે ૯૪.૭૧ લાખ રેશનકાર્ડધારકો કરદાતા છે, ૧૭.૫૧ લાખ ફોર વ્હીલર માલિકો છે અને ૫.૩૧ લાખ કંપની ડિરેક્ટર છે. કુલ મળીને, લગભગ ૧.૧૭ કરોડ કાર્ડધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે. હવે કેન્દ્રએ રાજ્યોને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જમીની સ્તરે ચકાસણી કરવા અને આ અયોગ્ય કાર્ડધારકોને યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે.
અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી લેવાઇ
ખાદ્ય વિભાગના એક અધિકારી જણાવ્યું હતું કે, “કેન્દ્રએ આ ડેટા રાજ્યોને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં અને વેઈટિંગ લિસ્ટમાં રહેલા જરૂરિયાતમંદોને લાભ આપવા માટે શેર કર્યો છે. રાશન કાર્ડની સમીક્ષા કરવાની અને અયોગ્ય/ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવાની અને પાત્ર લાભાર્થીઓને શામેલ કરવાની જવાબદારી રાજ્યોની છે.” તેમણે કહ્યું, “ડેટાબેઝની ચોકસાઈથી સાચા વંચિત પરિવારોને ફાયદો થશે અને જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. આ કાર્ય ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવું જોઈએ.”
નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓ ૧ લાખ રૂપિયા કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો, ફોર વ્હીલર માલિકો અને કરદાતાઓ મફત રાશન માટે પાત્ર નથી. ૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં, ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે આ કવાયત યોગ્ય લોકો સુધી રાશન પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે.
તેમણે લખ્યું હતું કે મંત્રાલયે CBDT, CBIC, MCA, MoRTH અને PM-Kisan જેવી ઘણી એજન્સીઓના ડેટાબેઝમાંથી માહિતીને જોડીને અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી છે.
જુલાઈમાં કેન્દ્રએ રાજ્યસભાને જણાવ્યું હતું કે ૨૦૨૧-૨૩ વચ્ચે ૧.૩૪ કરોડ “બનાવટી/અયોગ્ય” રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલમાં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને અનાજ સંપૂર્ણપણે મફત આપવામાં આવ્યું છે.