Last Updated on by Sampurna Samachar
કર્ણાટકની વસ્તીમાં OBC વર્ગનો હિસ્સો લગભગ ૭૦ ટકા
સરકાર આ રિપોર્ટ પર ચર્ચા કરી બેઠક કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પંચે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC ) માટે અનામત વર્તમાન ૩૨%થી વધારીને ૫૧% કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કુલ અનામતનો આંકડો ૮૫% સુધી પહોંચી જશે. તેમાંથી, ૧૦% પહેલાંથી જ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અને ૨૪% અનુસૂચિત જાતિ/જનજાતિ (SC\ST) માટે અનામત છે.
પંચે પોતાની ભલામણોમાં કહ્યું હતું કે, હાલમાં જ હાથ ધરાયેલા સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વે અનુસાર, કર્ણાટકની વસ્તીમાં OBC વર્ગનો હિસ્સો લગભગ ૭૦ ટકા છે. પંચે વસ્તીના રેશિયોના આધારે અનામત લાગુ કરવાની વાત કરી છે. જેથી સરકારી સુવિધાઓ અને તકોના સમાન વિત્તરણ થઈ શકે. પંચના સર્વે રિપોર્ટમાં પછાત વર્ગની સંખ્યા ૬૯.૬ ટકા છે. તેમ છતાં રાજ્યમાં અડધાથી વધુ ઓછી વસ્તીને અનામતનો લાભ મળી રહ્યો છે. જો વસ્તીના આધારે અનામત આપવામાં ન આવી તો સરકારી સુવિધાઓ સમાન ધોરણે લોકો સુધી પહોંચી શકશે નહીં.
રાજનીતિ અને સમાજમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે
ઉલ્લેખનીય છે, સર્વેની શરૂઆત ૨૦૧૫માં એચ. કંથરાજ દ્વારા થઈ હતી. ત્યારબાદ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ પંચના અધ્યક્ષ જયપ્રકાશ હેગડેએ તેને પૂર્ણ કર્યો હતો. ફેબ્રુઆરી, ૨૦૨૪માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રિપોર્ટ સોંપ્યો હતો.
પંચે ભલામણ કરી હતી કે, રાજ્ય સરકાર નોકરી અને શિક્ષણમાં હોરિઝોન્ટલ રિઝર્વેશન લાગુ કરે. આ નીતિ હેઠળ મહિલાઓ, દિવ્યાંગો અને અન્ય વિશેષ ક્લાસના દરેક અનામત વર્ગને અલગથી ક્વોટા મળે. જેમ કે, ઓબીસી વર્ગની મહિલાઓ અને દિવ્યાંગોને અલગથી અનામત આપવામાં આવે.
આ જાતિ આધારિત વસ્તી ગણતરી રિપોર્ટ ફેબ્રુઆરી, ૨૦૨૪ માં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેને સિદ્ધારમૈયાના કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર આ રિપોર્ટ પર ચર્ચા કરવા ૧૭ એપ્રિલે ખાશ કેબિનેટ બેઠકનું આયોજન કરશે. ભલામણો પર ચર્ચા-વિચારણા બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે. જો આ ભલામણો લાગુ થાય તો કર્ણાટકની રાજનીતિ અને સમાજમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે. જો કે, કુલ ૮૫ ટકા અનામત બંધારણીય અને ન્યાયિક રીતે યોગ્ય છે કે નહીં. તે જોવાનું રહેશે.