Last Updated on by Sampurna Samachar
છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા
આ હિસ્સો પાંચ ટકા વધારીને ૨૫ ટકા કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત તેની સરકારી બેન્કોમાં વિદેશી રોકાણની મર્યાદા હાલના ૨૦ ટકાથી વધારી ૪૯ ટકા સુધી કરવાનું આયોજન કરી રહ્યું છે, એમઆ નીતિગત હિલચાલ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. નાણા મંત્રાલય આ મુદ્દે છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી રહ્યું છે. જોકે હજી સુધી આ માટેની દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
ભારતની બેન્કોમાં વિદેશી રોકાણકારોનો રસ વધ્યો છે. દુબઈ સ્થિત એમિરેટ્સ એનબીડીએ તાજેતરમાં જ આરબીએલ બેન્કમાં ત્રણ અબજ ડોલરમાં ૬૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. તેના પહેલા જાપાનની સુમિતોમો મિત્સુઈએ યસ બેન્કમાં ૧.૬ અબજ ડોલરમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના થોડા સમય પછી આ હિસ્સો પાંચ ટકા વધારીને ૨૫ ટકા કર્યો છે.
ખાનગી બેન્કોમાં ૭૪ ટકા સુધીના વિદેશી રોકાણની છૂટ
આ બતાવે છે કે વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં કેટલો રસ છે. સરકારી બેન્કોને પણ હવે વિદેશી રોકાણકારોમાં રસ પડયો છે. તેઓને તેમા નાણા મેળવવાનો માર્ગ દેખાઈ રહ્યો છે. વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવતા PSU બેન્કોને પણ મોટાપાયા પર ભંડોળ મળી શકે છે. તેની સાથે સરકાર પરનું તેનું અવલંબન પણ ઘટી શકે છે.
હાલમાં સરકારી બેન્કોમાં વિદેશી રોકાણકારોના રોકાણ પર ૨૦ ટકાની ટોચમર્યાદા છે. સરકારી બેન્કો અને ખાનગી બેન્કોમાં વિદેશી રોકાણને લઈને જે તફાવત છે તે દૂર કરવાની દિશામાં આ પગલું લેવામાં આવી રહ્યુ છે. ખાનગી બેન્કોમાં ૭૪ ટકા સુધીના વિદેશી રોકાણની છૂટ છે. તેથી સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ મર્યાદા ૪૯ ટકા સુધી લાવવામાં આવે તો આ તફાવત દૂર થશે.
ભારતમાં ૧૨ સરકારી બેન્કો છે અને ૩૧ માર્ચ ૨૦૨૫ના અંતે તેની સંપત્તિ ૧૭૧ લાખ કરોડ રૂપિયા હતી. તે બેન્કિંગ સેક્ટરની કુલ સંપત્તિનો ૫૫ ટકા હિસ્સો થાય છે. સરકાર PSU બેન્કોમાં ૫૧ ટકાનું લઘુત્તમ શેરહોલ્ડિંગ જાળવી રાખવાનું આયોજન ધરાવે છે. હાલમાં તો બધી ૧૨ PSU બેન્કમાં સરકારનો હિસ્સો સૌથી વધુ છે. આ સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ જોઈએ તો કેનેરા બેન્કમાં સૌથી વધુ ૧૨ ટકા અને યુકો બેન્કમાં ઝીરો ટકા છે.
 
				 
								