Last Updated on by Sampurna Samachar
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારુ-ડ્રગ્સના દૂષણ સામે જંગ છેડ્યો
દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ ૪૮૦૦૦ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી એલાન કયુ છે કે, દારુ-ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો, ૨૪ કલાકમાં દરોડા પડાવીશ. પણ ગુજરાતમાં દારૂના અડ્ડા, બૂટલેગરો વિરુઘ્ધ એકાદ બે નહી પણ ૪૮,૦૦૦ ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી છે પણ કોઇ કાર્યવાહી થઇ નહી. ખુદ ગૃહવિભાગે આ વાતનો સ્વિકાર કર્યો છે પણ શું પગલાં લીધાં એનો ફોડ જ પાડ્યો નથી.

આ જોતાં ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારી કેમ થઇ રહી નથી તે મુદ્દે સરકારની નીતિ ખુલ્લી પડી છે. રાજકીય આર્શિવાદને લીધે ગુજરાતમાં દારુબંધી અમલમાં હોવા છતાંય બુટલેગરો અને ડ્રગ્સ માફિયા-પેડલરો બેફામ બન્યાં છે. આ જોતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારુ-ડ્રગ્સના દૂષણ સામે જંગ છેડ્યો છે જેને જનસમર્થન પણ સાંપડી રહ્યુ છે. દારૂ-ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં રેલીઓ યોજાઇ રહી છે પરિણામે સરકારને બેકફુટ પર આવવું પડ્યુ છે.
છેલ્લા 3 વર્ષમાં બૂટલેગરોએ પોલીસ પર હુમલો ૨૮ ઘટના
ખુદ ગુજરાત સરકારે જ વિગતો આપી છે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુઘ્ધ ૧૪,૨૧૪ ફરિયાદો મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૭,૮૫૭ ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી હતી. વર્ષ ૨૦૨૩-૨૪માં દારૂ-ડ્રગ્સનો વેપલો કરનારાં બૂટલેગરો સામે ૧૬,૩૧૬ ફરિયાદો થઇ હતી. ત્રણ વર્ષમાં કુલ મળીને ૪૮,૩૮૭ ફરિયાદો મળી હતી. જોકે, લોકોની ફરિયાદો મળી પણ શું કાર્યવાહી કરાઇ તે મુદ્દે સરકારે ફોડ જ પાડ્યો ન હતો.
ફરિયાદોમાં અમદાવાદ અને સુરતમાં મોખરે રહ્યુ છે. જોકે, ગુજરાતનો કોઇ જીલ્લો એવો નથી જ્યાં દારુ-ડ્રગ્સના અડ્ડા અને બૂટલેગરો સામે ફરિયાદ થઇ ન હોય. ટૂંકમાં બધે દારુ-ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો છે. નાટક કરી દેખાડો કરવામાં આવી રહ્યો છે પણ અસરકારક પગલાં લેવાતાં નથી જેથી દારુના દૂષણને દૂર કરી શકાયુ નથી.
દારૂના અડ્ડા અને બૂટલેગરો સામે દર વર્ષે ૧૫૦૦થી વઘુ ફરિયાદો મળે છે તેમ છતાંય સરકાર કે પોલીસના પેટનુ પાણી હલતુ નથી. દારુ-ડ્રગ્સનું દૂષણ વકર્યુ હોવા છતાં સરકાર માત્રને માત્ર દારૂબંધીનો ઢોલ પીટી રહી છે. એટલુ જ નહી, ગુજરાતની જનતાનું કોઇ સાંભળવા તૈયાર નથી. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઇ રહી છે કે, બુટલેગરો-ડ્રગ્સ માફિયાઓ પર ખાખી જ નહી, સરકારની છત્રછાયા છે.
ગુજરાતમાં દારુ-ડ્રગ્સ માટે આખુય નેટવર્ક ગોઠવાયેલું રહ્યુ છે. વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરીગ સેલે બુટલેગરોને પકડવા માટે રૂ.૨૦ હજારથી માંડીને ૧ લાખ સુધીનું ઇનામ જાહેર કર્યુ હતું પણ આ વાતને આજે એકાદ વર્ષ કરતાં વઘુ સમય વિત્યો છે છતાંય ટોપના બુટલેગરો સુધી પોલીસ પહોચી શકી નથી. ગુનેગારોને ઘડીની ક્ષણોમાં પકડી પાડતી ગુજરાત પોલીસ બુટલેગરોને શોધી શકતી નથી તે જ શંકા ઉપજાવે તેમ છે.
જનતાના રક્ષક જ હવે સલામત રહ્યાં નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, બૂટલેગરોને જાણે ડર જ રહ્યો નથી. છેલ્લાં ત્રણેક વર્ષમાં બૂટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હોય તેવી ૨૮ ઘટના બની છે. આ હુમલામાં ૨૧ પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતાં. ચોંકાવનારી વાત તો એ છે કે, ખાખી વર્દી પર હુમલો કરનારાં ૨૯ બૂટલેગરોને પોલીસ શોધી શકી નથી. રાજકીય આશ્રયને કારણે બૂટલેગરોને ગાંધીના ગુજરાતમાં મોકળુ મેદાન અપાયુ છે.