Last Updated on by Sampurna Samachar
નવા નિયમોને કારણે ૯૦ ટકા પહાડો સાફ થઇ જશે
વિપક્ષ રાજસ્થાનના ૧૯ જિલ્લામાં અરવલ્લી બચાવો આંદોલન કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે હવે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલુ થયા છે. સરકારનો દાવો છે કે નવા નિયમોની અસર અરવલ્લી પર્તમાળા પર નહીં થાય જ્યારે વિરોધીઓનું કહેવુ છે કે નવા નિયમોને કારણે ૯૦ ટકા પહાડો સાફ થઇ જશે.

આ સ્થિતિ વચ્ચે હવે વિપક્ષે સમગ્ર રાજસ્થાનમાં અરવલ્લી બચાવો આંદોલનની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે લોકો દ્વારા વિરોધ વધી રહ્યો છે.
૬૮૦૦૦ એકર જમીન ખનન માટે આપશે
જયપુરમાં એક પ્રેસ કોન્ફરંસને સંબોધતા રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહે જાહેરાત કરી હતી કે અરવલ્લી બચાવવા માટે સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનો થશે, આશરે ૧૯ જિલ્લામાં કોંગ્રેસ અને અન્યો દ્વારા આ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે.
આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે અનેક કંપનીઓ પાસેથી નાણા લઇને અરવલ્લીના પહાડો ખોદી માઇનિંગ કરવાની છૂટ અપાઇ રહી છે. ભાજપના શાસનમાં ખાણ માફિયા અને અધિકારીઓ વચ્ચે મોટી પાર્ટનરશિપ થઇ છે. સરકાર સંગઠીત ગેંગની જેમ દેશના ખનીજ સંપત્તિને લૂંટી રહી છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ ખનનની મંજૂરી આપવાને લાયક છે. આ અંગે બાદમાં જવાબ આપતા કોંગ્રેસના જનરલ સેેક્રેટરી જયરામ રમેશે પણ સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે અરવલ્લીનો વિસ્તાર જાેઇએ તો મંત્રીએ જે ૦.૧૯ ટકા હિસ્સાની વાત કરી છે તેની કુલ જમીન ૬૮૦૦૦ એકર થાય. એટલે કે સરકારના દાવા મુજબ ૬૮૦૦૦ એકર જમીન ખનન માટે આપી દેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવી જાેઇએ કે ખરેખર અરવલ્લીની કેટલા એકર જમીન ખનન માટે ફાળવવામાં આવશે. આ રીતે આંકડામાં લોકોને ફસાવવા ના જાેઇએ.