પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં મોટાભાગની સ્કીમમાં વ્યાજદર યથાવત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે PPF સહિત સરકારી નાની બચત યોજનાઓ માટે નવા વ્યાજદર જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર દર ત્રિમાસિકમાં આ યોજનાઓના વ્યાજમાં મોંઘવારીના આધારે ફેરફાર કરે છે. જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર માર્ચ ત્રિમાસિકમાં ૭.૧ ટકા વ્યાજ મળશે. PPF યોજના પર ૭.૧ ટકાનો વ્યાજદર ૧ એપ્રિલ, ૨૦૨૦થી લાગુ છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાં ૭.૯ ટકા વ્યાજ મળતુ હતું.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં મોટાભાગની સ્કીમમાં વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. જાન્યુઆરીથી માર્ચ, ૨૦૨૫ ત્રિમાસિક દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ પર ૪ ટકા વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષિત અને નાના રોકાણકારો માટે નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનું સંચાલન પોસ્ટ ઓફિસ તેમજ અમુક બેન્કો દ્વારા થાય છે. જેને ત્રણ કેટેગરીમાં ફાળવવામાં આવી છે.
પ્રથમ સેવિંગ્સ ડિપોઝિટ, બીજુ સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને ત્રીજુ મંથલી ઈનકમ પ્લાન. સેવિંગ્સ ડિપોઝિટમાં પીપીએફ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમને આવરી લેવામાં આવી છે. સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સમાવિષ્ટ છે. જ્યારે મંથલી ઈનકમ પ્લાનમાં મંથલી ઈનકમ એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો.