રાજકોટ શહેરમાં ૩૩૦૦ જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા
મ્યુનિ. કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવા રજુઆત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં પોપટપરામાં વર્ષ ૨૦૧૯ માં ૬૯૦ જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે. પરંતુ છ વર્ષ બાદ પણ આ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, અહીંયા દારૂ, ચરસ, ગાંજા સહિતના માદક પદાર્થોનું સેવન કરવામાં આવે છે. રાત્રિના સમયે દારૂનું કટીંગ પણ થાય છે. તેમજ સ્થાનિકો અસામાજિક પ્રવૃત્તિ મામલે અવાજ ઉઠાવે તો તેમના અવાજને ડામી દેવામાં પણ આવે છે. જેના કારણે ખંડેર બની ચૂકેલા આવાસની આજુબાજુમાં રહેતી મહિલાઓ પોતાની જાતને સલામત નથી માની રહી. ત્યારે સ્થાનિકોની માંગણી છે કે અહીંયા લાઇટિંગની પૂરી વ્યવસ્થા કરવામાં આવે તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિતની ફાળવણી કરવામાં આવે તો જ અહીંયા સલામતીનો અહેસાસ શક્ય છે.
આ મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારા ધ્યાને આવ્યું છે. સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આવાસ યોજના સંભાળતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, સૌ પ્રથમ તમામ આવાસોને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ત્યારબાદ જેટલા પણ આવાસોમાં સમારકામની જરૂરિયાત છે તે તમામમાં સમારકામની શરૂઆત કરવામાં આવે. તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવાસોની ફાળવણી કરવામાં આવે. અત્યાર સુધીમાં શા માટે આવાસોની ફાળવણી કરવામાં નથી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, પોપટ પરા વિસ્તારમાં જે ૬૯૬ આવાસ ખાલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તે બાબતે અગાઉ મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ત્યાં વસવાટ કરવા જવા કોઈ તૈયાર નહોતું જેના કારણે આવાસની ફાળવણી શક્ય નહોતી બની. આવાસની લેવાની ન નીકળતા ત્યારબાદ આવાસોને ભાડે ચડાવવા બાબતે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ પાંચ પાંચ વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં ભાડે લેવા બાબતે પણ કોઈ આગળ નથી આવ્યુ. જેના કારણે આવાસો ખંડેર હાલતમાં પડેલા છે. જોકે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનું કહેવું છે કે, રાજકોટ શહેરમાં ૩૩૦૦ જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે.