Last Updated on by Sampurna Samachar
આપ નેતા મનિષ સિસોદીયાએ ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવ્યા
આ જીત દિવસ-રાત મહેનત કરનારા દરેક કાર્યકરની
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ઐતિહાસિક જીત થઈ છે. આ જીત સાથે જ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. આપના દિગ્ગજ નેતાઓ પણ ગોપાલ ઈટાલિયાને જીતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયાએ વિસાવદર પેટા ચૂંટણીમાં શાનદાર જીત બદલ ગોપાલ ઈટાલિયાને અભિનંદન પાઠવ્યા છે.
આપના નેતા મનિષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ગુજરાતમાં મોટી જીત! ગુજરાતનો સિંહ ગોપાલ ઈટાલિયા હવે વિધાનસભામાં ગર્જના કરશે. આ જીત દિવસ-રાત મહેનત કરનારા દરેક કાર્યકરની છે. આમ આદમી પાર્ટીના દરેક સૈનિકનો આભાર અને હાર્દિક અભિનંદન! ટીમ ગુજરાતને અભિનંદન!
હાર પાછળનું કારણ મેળવવા ભાજપમાં મંથન શરૂ
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત અંગે દિલ્હી આપ પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, આ આપ માટે એક મોટી જીત છે. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા હતા કે આપ એક પક્ષ તરીકે સમાપ્ત થઈ જશે. પરંતુ દિલ્હીમાં હાર બાદ આપ લુધિયાણા પશ્ચિમ (વિધાનસભા પેટાચૂંટણી) જીતી રહી છે અને અમે આપના ગઢ ગણાતા ગુજરાતમાં પેટાચૂંટણી પણ મોટા માર્જિનથી જીત્યા છીએ. મને લાગે છે કે આ એક મોટી જીત છે. કેટલાક લોકો કહેતા હતા કે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં સાઈડલાઈન થઈ જશે, આ એક શાનદાર વાપસી છે.”
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ૧૭,૫૮૧ મતથી વિજય થતાની સાથે જ આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ ભાજપમાં સોપો પડી ગયો હતો.
જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગુજરાત ભાજપના મંત્રીઓ અને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા સહિતનાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું તેમ છતાં પણ ભાજપની કારમી હાર થઈ છે. પરાજય થતા હાર પાછળનું કારણ મેળવવા ભાજપમાં મંથન શરૂ થયું છે.