Last Updated on by Sampurna Samachar
AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો ઉછીના આપ્યા!
ઈટાલિયાના મતે, સુરતમાં AAP ની લોકપ્રિયતા રોકવા ભાજપ અને કોંગ્રેસે અંદરખાને હાથ મિલાવ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ બરાબરનું ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ અને ભાજપ પર એક બહુ જ મોટો અને ગંભીર આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે.

તેમના કહેવા મુજબ, સુરતમાં AAPની વધતી લોકપ્રિયતાને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ અંદરખાને હાથ મિલાવી લીધા છે અને કોંગ્રેસ માત્ર AAPના મતો કાપવાનું જ કામ કરી રહી છે. ગોપાલ ઈટાલિયાના આ સનસનીખેજ આક્ષેપોથી સુરતના સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો પૂરા પાડ્યા
પોતાના નિવેદનમાં ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા તેને વોટ કટવા પાર્ટી (એટલે કે માત્ર મતો કાપનારી પાર્ટી) ગણાવી છે. તેમણે એક અત્યંત ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, સુરત શહેરના કેટલાક વોર્ડમાં તો કોંગ્રેસની એવી ખરાબ હાલત હતી કે તેમને ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો જ નહોતા મળી રહ્યા. આવી સ્થિતિમાં, ભાજપે પાછલા બારણે કોંગ્રેસની મદદ કરી અને તેમને ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો પૂરા પાડ્યા!
ઈટાલિયાના મતે, ભાજપ દ્વારા કોંગ્રેસને અપાયેલા આ ઉમેદવારોને સુરતના અલગ-અલગ વોર્ડમાં ખાસ ગોઠવવામાં આવ્યા છે. આ આખી ગોઠવણ પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આ ઉમેદવારો મેદાનમાં ઉભા રહીને સીધા જ આમ આદમી પાર્ટીના મતો કાપી શકે, જેથી AAP ને નુકસાન થાય.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા એક બહુ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને આ ષડયંત્રમાં સત્તાધારી પક્ષ ભાજપ પણ તેમની સાથે પૂરેપૂરો સામેલ છે. છછઁ ના આ ગંભીર આરોપો બાદ હવે સુરત મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને ગરમાગરમ બની ગયો છે.