Last Updated on by Sampurna Samachar
GOOGLE માટે સાયબર સિક્યોરિટી ખૂબ જ મહત્વપૂર્ણ
આ વર્ષે UPI આધારિત છેતરપિંડીના કેસોમાં ૮૫% નો વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
GOOGLE દ્વારા ભારતમાં સેફ્ટી ચાર્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અમેરિકા બાદ, ગૂગલ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. તેથી, સ્કેમ અને ફ્રોડ અટકાવવા માટે GOOGLE દ્વારા તેમની સેફ્ટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે.
ભારતમાં છેતરપિંડીના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. સરકારી આંકડા મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI આધારિત છેતરપિંડીના કેસોમાં ૮૫% નો વધારો થયો છે. GOOGLE માટે સાયબર સિક્યોરિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાયબર ફ્રોડ અટકાવવા માટે આ ખાસ પહેલ
ગૂગલ હવે ભારતમાં સિક્યોરિટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કરશે. અત્યાર સુધી ડબલિન, મ્યુનિક અને મલંગામાં આવા સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને હવે ભારતમાં તેનું ચોથું સેન્ટર હશે.આ સેન્ટરની મદદથી, ગૂગલ સરકારી એજન્સીઓ, એકેડેમીક સંસ્થાઓ અને નાના બિઝનેસ સાથે મળીને કામ કરશે, જેથી તેઓ સાઇબર સિક્યોરિટી પડકારો માટે ઉકેલો શોધી શકે.
ગૂગલ હાલમાં “ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર” સાથે ભાગીદારી કરી રહ્યું છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ડિજિકવચ યોજનાની સાથે, સાઇબર ક્રાઇમ સામે જાગૃતિ લાવવા માટે સરકાર અને ગૂગલ સાથે મળીને કામ કરશે. ૨૦૨૩માં “ડિજિકવચ” લોન્ચ થયું હતું, જે ઓનલાઇન ફ્રોડ અટકાવવા અને ખાસ કરીને લોન-આપતી નાણાકીય એપ્લિકેશન પર નજર રાખવા માટે રચાયેલ છે.
ભારતમાં ફ્રોડ અટકાવવા માટે, AI નો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ મેસેજિંગ સેવામાં પણ હવે AI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દર મહિને ૫૦૦ લાખથી વધુ મેસેજ સુરક્ષિત થાય.ગૂગલ પે, UPI આધારિત સૌથી લોકપ્રિય એપ્લિકેશન પૈકી એક છે.
પે દ્વારા ૪૧ મિલિયન ટ્રાન્ઝેક્શન માટે ચેતવણી આપવામાં આવી છે, જેથી યૂઝર્સ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા વિચાર કરી શકે. છેલ્લા એક વર્ષમાં “ગૂગલ પ્લે પ્રોટેક્ટ” દ્વારા ૬૦ મિલિયન છેતરપિંડીની કોશિશો નિષ્ફળ બનાવવામાં આવી. ૧૩ મિલિયન ડિવાઇસમાંથી, ૨,૨૦,૦૦૦ થી વધુ હાઈ-રિસ્ક એપ્લિકેશન દૂર કરવામાં આવી.