Last Updated on by Sampurna Samachar
સોમનાથ પર્વની ઉજવણી ૧૫ જાન્યુઆરી સુધી લંબાવવાનો ર્નિણય
ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન મોદીએ સોમનાથમાં તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. લોકોની લાગણી અને માંગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી તા. ૧૫ જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે.

પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે. આ પર્વ અન્વયે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ શૌર્યયાત્રામાં એક લાખ કરતા વધુ લોકો સહભાગી થયા હતાં અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં.
કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની
તા. ૮ થી ૧૧ જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાયાં હતાં. એ જ શૃંખલામાં તા. ૧૫ જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્રના સફળ પ્રયત્નોને કારણે આ પર્વ સફળતાથી ચાલ્યું છે.
ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રોશનીનો રોમાંચ પણ માણવા મળશે. આ પર્વ અન્વયે વડાપ્રધાનની ગરીમામય ઉપસ્થિતિમાં ૭૨ કલાકનો અખંડ ઓમકાર નાદ, ૩૦૦૦ ડ્રોનનો મેગા શો અને ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા તેમજ વિવિધ રાજ્યોમાંથી સોમનાથ ખાતે પધારેલા કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
ભારતીય સંસ્કૃતિના વારસા અને વિરાસતને પુન:સ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને દેશભરના વધુમાં વધુ લોકો માણી શકે એ માટે તારીખ ૧૫ જાન્યુઆરી સુધી આ પર્વ લંબાવવાનો રાજ્ય સરકારે ર્નિણય લીધો છે.