Last Updated on by Sampurna Samachar
જુલાઈ ૨૦૨૫થી DA માં ૩થી ૪ ટકાનો વધારો
આ ર્નિણય CPI – IW ના આંકડા પર આધારિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાલમાં ૮ મા પગાર પંચની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલાં મોંઘવારી ભથ્થા (DA)માં વધારો થઈ શકે છે. સરકાર જુલાઈ ૨૦૨૫થી DA માં ૩થી ૪ ટકાનો વધારો કરી શકે છે.
મોંઘવારી ભથ્થું એટલે DA , જે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારીની અસરથી રાહત આપવા માટે આપે છે. જેમ-જેમ વસ્તુઓના ભાવ વધે છે, તેમ-તેમ DA માં પણ વધારો કરવામાં આવે છે. આ વધારો વર્ષમાં બે વખત થાય છે. પહેલીવાર વધારો જાન્યુઆરીમાં કરવામાં આવે છે અને બીજો ૧ જુલાઈથી લાગુ થાય છે.
DA વધારો તમારા ખિસ્સામાં થોડી વધુ રાહત લાવશે
સરકાર જ્યારે પણ DA વધારવાની જાહેરાત કરે, પરંતુ તે ૧ જાન્યુઆરી અથવા ૧ જુલાઈથી જ લાગુ ગણાય છે. સરકાર ૧ જુલાઈથી લાગુ થનારા DA ની જાહેરાત દિવાળી પહેલાં કરી શકે છે. હાલમાં કર્મચારીઓને તેમના બેઝિક પગારના ૫૩% DA મળે છે. જો ૩% નો વધારો થાય, તો તે ૫૬% થઈ જશે અને જો ૪%નો વધારો થાય, તો તે ૫૭% સુધી પહોંચી શકે છે.
આ ર્નિણય CPI – IW ના આંકડા પર આધારિત છે, જે મોંઘવારીને માપે છે. મે ૨૦૨૫ સુધીના જે આંકડા આવ્યા છે, તેનાથી એવો સંકેત મળી રહ્યો છે કે જુલાઈમાં ૩થી ૪%નો DA વધારો થઈ શકે છે. જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર (બેઝિક સેલેરી) ૧૮,૦૦૦ રૂપિયા છે, તો હાલમાં તેમને ૫૩% DA એટલે કે ૯,૯૯૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ૩%ના વધારા પછી DA ૧૦,૪૪૦ રૂપિયા થઈ જશે, એટલે કે ૫૪૦ રૂપિયાનો વધારો. જેમનો બેઝિક પગાર વધારે છે, તેમને આ વધારો વધુ ફાયદો આપશે.
જૂન ૨૦૨૫નો CPI – IW ડેટા જુલાઈના અંતમાં આવશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કેન્દ્રીય કેબિનેટ DA વધારવાનો ર્નિણય લઈ શકે છે. પછી આ વધેલું ભથ્થું જુલાઈ ૨૦૨૫થી એરિયર સાથે આપવામાં આવશે. જ્યાં સુધી ૮મું પગાર પંચ લાગું નહીં થાય, ત્યાં સુધી આ DA વધારો એ સરકાર તરફથી કર્મચારીઓને રાહત આપવાનું માધ્યમ છે. તેથી જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો, તો જુલાઈ ૨૦૨૫માં આવનારો ૩-૪%નો DA વધારો તમારા ખિસ્સામાં થોડી વધુ રાહત લાવશે.