Last Updated on by Sampurna Samachar
પાટણમાં હોસ્ટેલના ભૂમિ પૂજન કાર્યક્રમમાં સાંસદનું નિવેદન
ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના એક કાર્યક્રમમાં લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન ન આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સારા કાર્યોમાં અમુક લુખ્ખાઓ રોડા નાખતા જ હોય છે. પાટણ ખાતે સદારામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે તેમણે જ દીકરીઓને ભણાવવા માટે અપીલ કરી હતી.

સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન બાબાભાઈ ભરવાડ, સંત શ્રી દાસરામ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અધ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે.
કાર્યક્રમમાં લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન ન આપવું જોઈએ
વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે. ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઊમદા આશયથી પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું.
બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બની બે કરોડ ૫૧લાખ રૂપિયા આપી આ છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું હતું. ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ ખાતે સદારામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ ભગીરથ કાર્ય કરવા બદલ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સમાજમાં દીકરા દીકરીઓની વચ્ચે સંમતુલા જળવાઈ રહે તે માટે દીકરાઓને પણ શિક્ષિત કરવા આહવાન કર્યું હતું.
તો બીજી તરફ અંધશ્રદ્ધામાંથી બહાર આવી મંદિરો પાછળ ખોટા ખર્ચાઓ કરવાને બદલે સરસ્વતીના મંદિરો ગામે ગામ બનાવવા સમાજના આગેવાનોને અપીલ કરી હતી. સાથે જ સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખ્ખા તત્વો પણ ગણાવ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, કાર્યક્રમમાં લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન ન આપવું જોઈએ. સારા કાર્યોમાં અમુક લુખ્ખાઓ રોડા નાખતા જ હોય છે.