ચેકડેમમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે યુવાન ડૂબ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમીની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઇ હતી. ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિના વિસર્જન દરમિયાન ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી ગયાં હતા જેનાં લીધે તેમનું મૃત્યુ થતાં ખુશીનો માહોલ હતો તે આ ઘટના બાદ માતમમાં ફેરવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાસરામાં સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં વસંત પંચમીની નિમિત્તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વસંત પંચમીના દિવસે ૧૦ થી ૧૫ લોકો ઢોલના તાલે નાચતાં ગાતાં મૂર્તિના વિસર્જન માટે નજીકના ચેકડેમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બે યુવકો પાણીમાં આગળ જતાં ડૂબવા લાગ્યા હતા. તેમને ડૂબતાં જોઇને લોકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયાં હતા બન્નેનો બચાવ થાય તે પહેલા ઉંડા પાણીમાં તેઓ ગરકાવ થઈ જતા બન્નેના મોત નિપજ્યા હતા.
ઘટનાથી વિસર્જન માટે આવેલા લોકો અવાચક થઇ ગયા હતા. બનાવની જાણ થતા ફેકટરીના માલીક અને ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તે પછી તેમણે ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ગુંદાસરા પહોંચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરણીત હતો. જ્યારે કુમાર ગૌરવ પરણિત હતો.સંતાનમાં ૬ માસનો દિકરો હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે તાલુકા PSI તપાસ હાથ ધરી છે.