Last Updated on by Sampurna Samachar
૨૯ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન ‘પ્રતિષ્ઠા દ્વાદશી‘ની ભવ્ય ઉજવણી
રામ મંદિરના ‘અંગદ ટીલા’ ઉપર સ્થપાશે આ પ્રતિમા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેની કિંમત રૂ. ૩૦ કરોડ જેટલી હોઈ શકે છે.

આ દક્ષિણ ભારતની પરંપરાગત તાંજાવુર શૈલીમાં તૈયાર કરાયેલી માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. સોનાના વરખ અને કિંમતી રત્નોના જડતર સાથેની આ કલાકૃતિ જયશ્રી ફનીશે જ તૈયાર કરી છે, જે તેમણે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર‘ ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે. આ કલાકૃતિ બેંગલુરુથી ૧,૯૦૦ કિલોમીટર દૂર અયોધ્યા સુધી પહોંચાડવા જયશ્રી ફનીશે ભારતીય ટપાલ વિભાગની મદદ લીધી હતી.
આ મિશન ભારતીય ટપાલ વિભાગ માટે એક સિદ્ધિ
દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે ૧૨ ફૂટ ઊંચી અને ૮ ફૂટ પહોળી છે, જ્યારે તેનું વજન ૬૦૦ કિલો જેટલું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘આ દાતાએ તેમની ઓળખ ગુપ્ત રાખી છે. હાલ મૂર્તિની વિવિધ સ્તરે ચોકસાઈ કરાઈ રહી છે.’ આ ઉપરાંત હીરા, નીલમ અને સોનાથી મઢેલી આ મૂર્તિમાં કઈ ધાતુ-રત્નોનો કેટલો ઉપયોગ થયો છે, તેની પણ નિષ્ણાતો દ્વારા તપાસ કરાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિરના સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા ‘અંગદ ટીલા‘ પર સ્થાપિત કરાશે. પ્રતિમાના અનાવરણ બાદ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.
રામલલાની આ મૂર્તિ તૈયાર કર્યા પછી સૌથી મોટો પડકાર બેંગલુરુથી અયોધ્યા સુધી તેને પહોંચાડવાનો હતો. આ માટે ભારતીય ટપાલ વિભાગે બીડું ઝડપી લીધું હતું. ૧૨ ફૂટ ઊંચાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતી આ કલાકૃતિનું વજન આશરે ૬૦૦ કિલોગ્રામ હતું, પરંતુ પેકિંગ કરતા જ તેનું વજન ૮૦૦ કિલોએ પહોંચ્યું હતું.
આટલા લાંબા પ્રવાસમાં મૂર્તિને કોઈ પણ પ્રકારના સંભવિત નુકસાનથી બચાવવા તેના પર મલ્ટિ-લેયર બબલ રેપિંગ કરાયું હતું. એટલું જ નહીં, તેને ખાસ ડિઝાઇન કરેલા લાકડાના બોક્સમાં પેક કરાઈ હતી.
બેંગલુરુથી આ મૂર્તિ લઈને રવાના થયેલું વાહન હૈદરાબાદ, નાગપુર, જબલપુર, રીવા અને પ્રયાગરાજ થઈને આશરે ૧,૯૦૦ કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચ્યું હતું. આ સમગ્ર મુસાફરીમાં ટપાલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સતત વાહનની સાથે રહ્યા હતા. અયોધ્યા પહોંચીને પણ મૂર્તિનું પેકેટ ક્રેન અને આધુનિક ઉપકરણો દ્વારા અનલોડ કરાયું હતું. આમ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહા સચિવ ચંપત રાયની હાજરીમાં આ કલાકૃતિ વિધિવત રીતે ટ્રસ્ટને સોંપાઈ હતી.
આ મિશન ભારતીય ટપાલ વિભાગ માટે એક સિદ્ધિ સમાન છે. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ પાંચ રાજ્યોના પોસ્ટલ સર્કલ વચ્ચેના શ્રેષ્ઠ સંકલનને કારણે જ ખૂબ સરળતાથી આ મૂર્તિ અયોધ્યા પહોંચી શકી હતી. અંતિમ તબક્કામાં તો રસ્તામાં ગાઢ ધુમ્મસનો સામનો કરીને મૂર્તિને સુરક્ષિત રીતે અયોધ્યા પહોંચાડાઈ હતી.
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ‘પ્રતિષ્ઠા દ્વાદશી‘ની ભવ્ય ઉજવણી કરાશે. આ પાંચ દિવસીય મહોત્સવમાં રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક, શૃંગાર, ભોગ અને પ્રાગટ્ય આરતી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.