Last Updated on by Sampurna Samachar
૧૪,૫૮૨ જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
SSC ની સત્તાવાર વેબસાઇટ પર થશે અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા (SSC CGL ૨૦૨૫) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વખતે કમિશને ૧૪,૫૮૨ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો SSC ની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

અરજી પ્રક્રિયા ૯ જૂન ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૪ જૂલાઈ ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. અરજી કરનારા ઉમેદવારોએ ૫ જુલાઈ સુધીમાં ફી ચૂકવવાની રહેશે. જો કોઈને અરજીમાં કોઈ ભૂલ સુધારવાની હોય તો ૯ થી ૧૧ જૂલાઈ વચ્ચે તેને સુધારવાની તક મળશે.
ઉંમરમાં છૂટ આપવામાં આવશે
આ ભરતી પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ગ્રુપ ‘B‘ અને ગ્રુપ ‘C’ જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. ગ્રુપ C માં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, રિસર્ચ આસિસ્ટન્ટ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. ઓડિટર, ટેક્સ આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, અપર ડિવિઝનલ ક્લાર્ક જેવી જગ્યાઓ માટે ગ્રુપ C માં ભરતી કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે વય મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ, ૧૮ થી ૩૦ વર્ષ અથવા ૨૦ થી ૩૦ વર્ષ જેવી જગ્યાઓ અનુસાર અલગ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. ઉંમર ૧ ઓગસ્ટ ૨૦૨૫ ના આધારે ગણવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે. અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ ૧૦૦ રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
જ્યારે મહિલાઓ, SC-ST શ્રેણી, PWD અને ભૂતપૂર્વ સૈનિકોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) હશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. ટિયર-૧ અને ટિયર-૨ બંને પરીક્ષાઓ ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. SSC CGL ટિયર-૧ પરીક્ષા ૧૩ થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન લેવામાં આવશે. આ પછી ટિયર-૨ પરીક્ષા ડિસેમ્બર ૨૦૨૫માં યોજવાનો પ્રસ્તાવ છે. એટલે કે, ઉમેદવારો પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે.