Last Updated on by Sampurna Samachar
મેડિકલ ટીમ દ્વારા મળ પાસ કરાવતા સોનુ બહાર કાઢવામાં આવ્યું
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પડાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની મોટી દાણચોરીનો પર્દાફાશ કરાયો હતો. માહિતી મુજબ અબુધાબીથી આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના ભારતીય પેસેન્જરના શરીરમાંથી છુપાવેલા ૨૧ લાખથી વધારે કિંમતના સોનાના કેપ્સ્યુલ કબજે કરવામાં આવ્યા છે. AIU ટીમે અબુધાબીથી આવી રહેલા શાહરૂખ નામના પેસેન્જરને શંકાસ્પદ હરકતોને આધારે અટકાવ્યો. પૂછપરછ દરમિયાન તેણે સોનું ગળી તેની અંદર છુપાવ્યું હોવાની કબૂલાત કરી.

કોર્ટના આદેશ મુજબ, પેસેન્જરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેથી શરીરમાં છુપાવેલી વસ્તુઓ બહાર કાઢી શકાય. જ્યાં મેડિકલ ટીમ દ્વારા મળ પાસ કરાવતાએ ૩ નળાકાર પીળા રંગના કેપ્સ્યુલ, ૧ ગોળાકાર સ્ટીલ કલરની કેપ્સ્યુલ,પેસેન્જરના શરીરમાંથી બહાર આવ્યા.
સોનાની દાણચોરીના કેસોમાં વધારો જોવા મળ્યો
મેડિકલ રિપોર્ટ બાદ કસ્ટમ વિભાગે માલનું મૂલ્યાંકન કર્યું. જેમા જાણવા મળ્યું કે,૩ નળાકાર કેપ્સ્યુલોમાં કુલ ૧૩૫.૨૦૦ ગ્રામ સોનું હતું,શુદ્ધતા ૯૯૯ / ૨૪દ્ભ, બજાર ભાવ: ૨૧,૮૯,૫૬૪, ટેરિફ મૂલ્ય: ૨૦,૧૭,૮૦૧ ચોથો ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ મેટલનું હોવાનું જાણવા મળ્યું, એટલે તેને પણ જપ્ત કરવામાં આવ્યું છે.
પેસેન્જરે સોનું કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવી ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ મુજબ તમામ કેપ્સ્યુલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સોનાની દાણચોરીના આવા કેસોમાં તાજેતરમાં વધારો દેખાઈ રહ્યો હોવાથી કસ્ટમ વિભાગ વધુ સતર્ક બન્યો છે.