Last Updated on by Sampurna Samachar
MAX પર સોનામાં ૬ હજાર તો ચાંદીમાં ૧૫ હજાર રૂપિયાનો ઘટાડો
ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી. ધરેલું બજાર તેમજ MCX પર પણ ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં ૧૫ હજાર રૂપિયાનો ઘટાડો
ઈઝરાયલ તરફથી પારસ ગેસ ફિલ્ડ પર હુમલો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ન કરવો અને HDFC બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના રાજીનામાની અસર ગુરુવારે સવારે શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમત પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ ૨૦૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો બંને કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રેટ મુજબ ગુરુવારે ૨૪ કેરેટ સોનું ૪૦૦૦ રૂપિયા અને ચાંદી ૧૩૦૦૦ રૂપિયાથી વધુ તૂટી ગઈ હતી. તો સ્ઝ્રઠ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનામાં ૬ હજાર રૂપિયા તો ચાંદીમાં ૧૫ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
વેબસાઈટ પર જાહેર કરાયેલા ભાવની વાત કરીએ તો ૨૪ કેરેટ સોનું ઘટીને ૧,૫૧,૦૩૦ રૂપિયા પર પહોંચી ગયું છે. તેવી જ રીતે ૨૨ કેરેટ ગોલ્ડ ઘટીને ૧,૩૮,૮૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું.મહત્વનું છે કે યુદ્ધ પહેલા ૧,૯૨,૦૦૦ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચેલું ગોલ્ડ ૪૦૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ તૂટીને ૧૫૧૬૩૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું છે.
ચાંદીની વાત કરીએ તો તે તેના રેકોર્ડ હાઈ લેવલથી પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી ગઈ છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ચાંદીનો ભાવ તેજીની સાથે રેકોર્ડ હાઈ ૪.૨૦ લાખ રૂપિયા પર નોંધાયો હતો. પરંતુ હવે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ચાંદી ૨,૩૬,૮૦૯ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ રીતે તેમાં અંદાજે ૧.૮૫ લાખ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે.૧૯ માર્ચ ૨૦૨૬ પણ ચાંદીના ભાવમાં ૧૩૦૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો રેટ ૪% અને ચાંદી ૬.૨૦ ટકા% થી વધુ નીચે સરકી ગઈ હતી. તેનું મોટું કારણ મજબૂત અમેરિકન ડોલર અને ઊંચા વ્યાજદરોને લઈને ઊભી થયેલી ચિંતા રહી હતી. MCX પર સોનું બપોરે ૪ વાગ્યા સુધી ૪.૦૪% એટલે કે ૬૦૦૦ રૂપિયાથી વધુ ઘટીને ૧,૪૬,૮૫૯ પર જ્યારે ચાંદી ૬.૨૦ ટકા ટકાથી વધુ એટલે કે ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ તૂટીને ૨,૩૩,૧૮૭ પર આવી ગઈ છે.