Last Updated on by Sampurna Samachar
ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી
અમદાવાદમાં પણ ૧૯૦૦નો ઉછાળો નોંધાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વૃદ્ધિના સથવારે સ્થાનિક બજારોમાં પણ સોનું રેકોર્ડ ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. MCX ગોલ્ડ પ્રથમ વખત રૂ. ૯૫૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ ૧૯૦૦નો ઉછાળો નોંધાવ્યો છે.
અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. ૧૯૦૦ વધી રૂ. રૂ. ૯૭, ૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ. ૨૦૦૦ ના ઉછાળા સાથે રૂ. ૯૭, ૦૦૦ પ્રતિ કિગ્રા નોંધાયો છે. ટેરિફવૉરના ભય હેઠળ સેફહેવનની ડિમાન્ડ વધતાં સોનું એપ્રિલમાં રૂ. ૪૦૦૦ મોંઘુ થયુ છે. જે ૩૧ માર્ચના રોજ રૂ. ૯૩૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વણસી
છેલ્લા ચાર વર્ષમાં એમસીએક્સ ગોલ્ડનો ભાવ બમણો થયો છે. જે મે, ૨૦૨૧માં રૂ. ૪૭૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો. જે આજે નવી ૯૫૪૩૫ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સાંજે ૪.૪૬ વાગ્યે એમસીએક્સ ગોલ્ડ (૫ જૂન વાયદો) ૧૫૩૯ રૂપિયા ઉછાળે રૂ. ૯૪૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ટેરિફના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વણસી રહી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ સોનું ૩૩૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચતાં સ્થાનિક સ્તરે એમસીએક્સ સોનું રૂ. ૯૫૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનું ક્રોસ કરવામાં સફળ રહ્યું છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં એલકેપી સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ સોનું ૯૪૦૦૦-૯૫૫૦૦ની રેન્જમાં રહેવાનો અંદાજ આપ્યો છે.