Last Updated on by Sampurna Samachar
છેલ્લા પાંચ દિવસમાં ૫૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ મોંઘું થયું
હેજિંગ માટે સોનાની માંગ વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં મંદીની ભીતિ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ વચ્ચે કિંમતી ધાતુના ભાવ રોજ નવી ઊંચાઈ આંબી રહ્યા છે. અમદાવાદમાં સોનું ફરી નવી રૂ. ૧,૧૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જે છેલ્લા પાંચ દિવસમાં રૂ. ૫૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ મોંઘું થયું છે. બીજી તરફ ચાંદીમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. ચાંદી તેની રૅકોર્ડ ટોચથી રૂ. ૩૦૦૦ તૂટી રૂ. ૧,૨૨,૦૦૦ પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.
ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના સંકેતો અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. હેજિંગ માટે સોનાની માંગ વધી છે. ગોલ્ડ ઈટીએફ પ્રવાહ પણ ઝડપથી વધ્યો છે. જેથી વૈશ્વિક સ્તરે સોનું ૪૦૦૦ ડૉલર થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક બજારમાં સોનું ૨૮ ઑગસ્ટે સોનું રૂ. ૧૦૪૬૦૦ પ્રતિ ૧૦ ગ્રામની રૅકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સતત ઉછાળા સાથે રોજ નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે.
નજીવી વૃદ્ધિ સાથે આગેકૂચ કરી રહી
MCX પર સોના અને ચાંદીની કિંમત નજીવી વૃદ્ધિ સાથે આગેકૂચ કરી રહી છે. સોનું ૩ ઑક્ટોબર વાયદો રૂ. ૨૮૪ વધી રૂ. ૧૦૬૭૦૧ પ્રતિ ૧૦ ગ્રામ જ્યારે ચાંદીનો ૫ ડિસેમ્બર વાયદો રૂ. ૪૨૭ વધી રૂ. ૧૨૪૩૪૭ પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો છે.