Last Updated on by Sampurna Samachar
આરોપી યતીન શાહ સામે કાર્યવાહી કરી જેલ હવાલે કરાયો
અંદાજે રૂ.૫૭૫ કરોડના સોના અને ચાંદીના દાગીના બિલ વગર વેચાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ભાગળ રાજમાર્ગ પર આવેલી જ્વેલર્સ પેઢીઓ દ્વારા આચરવામાં આવતા મોટા ટેક્સ ચોરીના કૌભાંડનો GST ની DGGI વિંગે પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ.૫૭૫ કરોડના સોના અને ચાંદીના દાગીના બિલ વગર વેચીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના આરોપમાં ‘સુમિત સિલ્વર‘ના માલિક યતીન સુમિતલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે જ્વેલર્સ દ્વારા સોના-ચાંદીની લગડીઓ અને તૈયાર ઘરેણાઓનું કોઈપણ પ્રકારના અધિકૃત બિલ વિના બેરોકટોક વેચાણ કરવામાં આવતું હતું. નિયમ મુજબ, સોના-ચાંદીની લગડી પર ૩ ટકા અને દાગીના પર ૫ ટકા સુધીનો GST ભરવો ફરજિયાત છે. જોકે, આ પેઢી દ્વારા કાચા ચોપડે વહીવટ કરીને દર મહિને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવતી હતી.
કાર્યવાહીથી સુરતના ઝવેરી બજારમાં ફફડાટ
DGGI ની ટીમે બાતમીના આધારે ભાગળ વિસ્તારમાં આવેલી પેઢીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં મોટાપાયે બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. ૫૭૫ કરોડનું ટર્નઓવર હોવા છતાં ટેક્સ ન ભરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ યતીન શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સુરતના ઝવેરી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.