Last Updated on by Sampurna Samachar
અમેરિકા એપ્રિલની શરૂઆતમાં રેસિપ્રોકલ ટેરિફ લગાવી શકે
ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો ટેરિફની જાહેરાત તેમજ આગામી સપ્તાહે લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફ પ્રત્યેની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજાર તેજીમય બન્યું છે. વૈશ્વિક સ્તરે સોનાએ રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સ્થાનિક બજારમાં પણ સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. અમદાવાદમાં સોનાની કિંમત વધુ રૂ. ૫૦૦ ઉછળી નવી રૂ. ૯૨, ૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. ચાંદી પણ લાખેણી થયા બાદ વધુ રૂ. ૧૦૦૦ વધી રૂ. ૧, ૦૧, ૦૦૦ પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.

વૈશ્વિક સોનું પણ ૩૦૮૬.૨૧ ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પોહંચ્યું હતું. ઓટો પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે ઈક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી વચ્ચે ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી છે.
છેલ્લા ત્રણ માસમાં સોનું ૧૬.૯૦ ટકા અને ચાંદી ૧૬.૭૬ ટકા વધી
ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના માહોલમાં સેફહેવન રોકાણ ઉભરી આવે છે. છેલ્લા ત્રણ માસમાં સોનું ૧૬.૯૦ ટકા અને ચાંદી ૧૬.૭૬ ટકા વધી છે. જેની સામે સમાનગાળામાં સેન્સેક્સ ૭૨૪.૦૮ પોઈન્ટ તૂટ્યો છે.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૧૦૨૮૪.૩૩ કરોડનાં કામકાજ થયાં હતાં. MCX સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૮૬૭૩ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૮૯૦૬૦ અને નીચામાં રૂ.૮૮૬૦૫ના મથાળે અથડાઈ, રૂ.૮૮૩૮૪ના આગલા બંધ સામે રૂ.૩૫૮ વધી રૂ.૮૮૭૪૨ ના સ્તરે પહોંચ્યો હતો.
ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૨૧૧ વધી રૂ.૭૧, ૯૧૫ ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩૨ વધી રૂ. ૯૦૫૬ થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૩ વધી રૂ.૮૮૬૩૬ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.૧૦૧૬૮૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૨૦૪૦ અને નીચામાં રૂ.૧૦૧૨૮૦ના સ્તરને સ્પર્શી, રૂ.૧૦૧૩૧૩ના આગલા બંધ સામે રૂ.૩૦૨ વધી રૂ.૧૦૧૬૧૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૩૭ વધી રૂ.૧૦૧૫૦૮ થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૩૩ વધી રૂ.૧૦૧૪૯૪ના સ્તરે પહોંચ્યો હતો.