Last Updated on by Sampurna Samachar
આ વર્ષે વસંતને બદલે ઉનાળો જ સીધો શરૂ થઇ જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે, આ વખતે ક્લાઈમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતા ઓછી રહી, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વસંત નહીં આવે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે વસંતને બદલે ઉનાળો જ સીધો શરૂ થઇ જશે. હવામાન અંગે IMD ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે.
હવામાન વિભાગનો અંદાજ છે કે ઉત્તર-પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં ૨૦% ઓછો રહેશે. વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે.
આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા વધુ પહોંચવાની સંભાવના છે. દક્ષિણના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધારે નોંધવાનું શરૂ થઇ ગયું છે. સામાન્ય રીતે અહીં ફેબ્રુઆરીમાં તાપમાન ૩૦-૩૨ ડિગ્રી સેલ્સિયસ રહે છે, આ વખતે ઘણા વિસ્તારોમાં તાપમાન ૩૩થી ૩૭ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
કેરળના પલક્કડમાં રાત્રિનું તાપમાન ૨૬.૬ ડિગ્રી હતું, જે સામાન્ય રીતે ૨૦-૨૧ ડિગ્રી હોય છે. જાે આ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી સમયમાં ઠંડી સંપૂર્ણપણે ખતમ થઈ જશે અને ગરમીથી લોકોની હાલત કફોડી થશે. હવામાનશાસ્ત્રીઓના મતે આ ફેરફારનું મુખ્ય કારણ લા નીનાની સ્થિતિ છે. તેની અસર રવિ પાક પર પણ પડશે.
નિષ્ણાતો કહે છે કે ફેબ્રુઆરીમાં –
ફેબ્રુઆરીના મધ્યથી એપ્રિલની શરૂઆત સુધી ૪૫-૬૦ દિવસ સુધી ગરમી કે ઠંડી હોતી નથી. આ ઋતુ વસંતની છે. ઘણા વર્ષોથી વસંતના દિવસો ઝડપથી ઘટી રહ્યા છે. નિષ્ણાતે કહ્યું કે, ૨૦૨૪ સૌથી ગરમ વર્ષ હતું. ઇતિહાસમાં ટોચના ૫ સૌથી ગરમ વર્ષ માત્ર છેલ્લા ૧૦ વર્ષમાં જ થયા છે. ૨૦૨૫ ની જાન્યુઆરી ઇતિહાસમાં ત્રીજી સૌથી ગરમ જાન્યુઆરી હતું.
જાન્યુઆરીમાં દેશમાં વરસાદ ૭૦% ઓછો હતો. પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા ૮૦% ઓછી હતી. ફેબ્રુઆરીમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ સપ્તાહમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન ઉંચુ રહેવાની શક્યતા છે.