Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનમાં ૨૦૨૫માં કુલ ૧૦૪૫ આતંકી ઘટના બની
આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ નંબરે પહોંચ્યું, વર્ષ ૨૦૧૩ પછી સૌથી વધુ મોત નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ ૨૦૨૬ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાની પોલ ખુલી ગઈ છે. ઈન્ડેક્સમાં પાકિસ્તાન પ્રથમ વખત આ યાદીમાં ટોચના સ્થાને પહોંચીને વિશ્વનું સૌથી મોટું આતંકિસ્તાન સાબિત થયું છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં ૬ ટકાનો વધારો નોંધાયો છે જે ત્યાંની સુરક્ષા સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો પુરાવો આપે છે.

દેશમાં ૨૦૨૫માં કુલ ૧,૦૪૫ આતંકી ઘટનાઓ બની હતી જેમાં ૧,૧૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ આંકડો વર્ષ ૨૦૧૩ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી તરફથી મળી રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો અને સરહદી વિસ્તારોમાં વધતી હિંસાએ પાકિસ્તાન માટે ગંભીર સુરક્ષા સંકટ ઊભું કર્યું છે.
બંધક બનાવવાની ઘટનાઓમાં પણ મોટો ઉછાળો આવ્યો
TTP હાલમાં પાકિસ્તાનનું સૌથી ઘાતક અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી ખતરનાક આતંકી સંગઠન બની ગયું છે જે પાકિસ્તાનમાં થતા કુલ આતંકી હુમલાઓમાં ૬૭ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં આ સંગઠનના હુમલાઓમાં ૨૪ ટકાનો વધારો થયો હતો જે મુખ્યત્વે અફઘાન સરહદને અડેલા ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં કેન્દ્રિત રહ્યા હતા. કાબુલમાં અફઘાન તાલિબાનની વાપસી બાદ આ સંગઠનને પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં વધુ મદદ મળી છે જેના કારણે હિંસક ઉગ્રવાદમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે.
આ આંકડાઓ માત્ર મૃત્યુ સુધી મર્યાદિત નથી પરંતુ બંધક બનાવવાની ઘટનાઓમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.વર્ષ ૨૦૨૪માં ૧૦૧ લોકોની સરખામણીએ ૨૦૨૫માં ૬૫૫ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમાં જાફર એક્સપ્રેસ પર થયેલા ભીષણ હુમલાનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનની આંતરિક સુરક્ષા ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સૌથી વધુ ખરાબ છે જ્યાં દેશના કુલ હુમલાના ૭૪ ટકા અને કુલ મૃત્યુના ૬૭ ટકા કિસ્સાઓ નોંધાયા છે. હવે પાકિસ્તાન વિશ્વના એવા પાંચ દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં દુનિયાના લગભગ ૭૦ ટકા આતંકી મૃત્યુ નોંધાય છે.