પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢના ભવનાથમાં આવેલા અને એશિયાનો સૌથી લાંબા ગિરનાર રોપ વેને ભારે પવનના કારણે બંધ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન હોવાના કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. પ્રતિ કલાક ૬૫ કિ.મી.ની ઝડપે પવનની ગતિ હોવાના પગલે રોપ-વે સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે. જેના પગલે ભક્તોને પગથિયા ચડીને જ ગિરનાર પર જવાની ફરજ પડી રહી છે. રોપ-વે તંત્રના જણાવ્યા અનુસાર પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જોકે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. પ્રતિ કલાકે ૬૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા છે. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઈ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની નોબત આવેલી છે.જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે.
જેના કારણે અહીં વારંવાર પવનની ગતિ તેજ રહે છે. તેમજ ચોમાસામાં વરસાદ પણ વધુ પડે છે. જેના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડે છે.