Last Updated on by Sampurna Samachar
વન વિભાગની બેદરકારીને કારણે દીપડાના હુમલા વધ્યાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકો પર દીપડાના હુમલાના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામમાં રાત્રે દીપડાએ બે સ્થાનિકો પર હુમલો કર્યો હતો. જેમાં ૪૪ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. પરંતુ દીપડાના હુમલા બાદ ફોરેસ્ટકર્મી હાજર રહેતા ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે તેમના ગામ આસપાસના વિસ્તારમાં આશરે ૨૦ જેટલાં દીપડા છે.
વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામ ખાતે એક દીપડાએ ખેતરમાં પોતાના ઘરની બહાર સુઈ રહેલા કુલ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં દીપડાએ સૌપ્રથમ વાઘાભાઈ વાઘેલા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો, અને તેમને દૂર સુધી ખેંચી ગયો હતો, આ દરમિયાન સ્થાનિકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ દીપડાના હુમલાથી ઘાયલ થયેલા વાઘાભાઈનું મોત નીપજ્યું હતું. એકવાર ભાગી ગયા બાદ દીપડો થોડા સમય બાદ ફરી પરત આવીને અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. ગામ લોકોની ફરિયાદ બાદ દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં છ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
દીપડાના વધતાં હુમલાને લઈને ફોરેસ્ટકર્મીઓ સામે સ્થાનિકોએ રોષ ઠાલવતાં જણાવ્યું કે, દીપડાના હુમલાને લઈને ફોરેસ્ટ અધિકારીને જાણ કરાઈ હતી. ૧૫ દિવસ પહેલા દીપડાને પકડીને છોડી દેવામાં આવ્યો હતો. નજીકમાં જ દીપડાને છોડવામાં આવતા ફરીથી દીપડો આવ્યો. અમારા ગામ ફરતેના વિસ્તારમાં આશરે ૨૦ જેટલાં દીપડાઓ છે, એટલે ફોરેસ્ટના સ્ટાફે અહીં રહેવું પડે એમ છે. ગામલોકોએ બેદરકારી દાખવનારા ફોરેસ્ટકર્મીની બદલીની પણ માંગ કરી છે.