Last Updated on by Sampurna Samachar
MBBS ની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં ગેંગરેપનો મામલો
મમતા બેનરજીના નિવેદનથી વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBS ની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગરેપના મામલા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એક વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ. પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાની એક પ્રાઈવેટ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.
છોકરી ઓડિસાની રહેવાસી છે અને તે રાતે પોતાના મિત્રો સાથે ડિનર કરવા માટે ગઈ હતી, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા અને મેડિકલ કોલેજના કેમ્પસમાં જ તેની સાથે ગેંગરેપ કર્યો. આ ઘટના દરમિયાન છોકરીનો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે રવિવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ ભૂમિકાના કારણોસર એક અન્ય વ્યક્તિને પણ કસ્ટડીમાં લીધો છે.
આ મામલે ત્રણ લોકોની ધરપકડ
હવે મમતા બેનરજીએ આ છોકરી સાથે થયેલા ગેંગરેપના મામલા બાદ મૌન તોડ્યું છે અને કહ્યું કે, છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ. આ મામલે સરકારને ઢસેડવું યોગ્ય નથી. કારણ કે છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રાઈવેટ મેડિકલ કોલેજની હતી.
પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓની ઓળખ હજુ જાહેર નથી કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને અમે આગળની જાણકારી બાદમાં આપીશું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ગાપુર સ્થિત પ્રાઈવેટ મેડિકલ કોલેજની આસપાસના ગામોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના જંગલ વિસ્તારમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.આ વિસ્તારના જંગલોમાં સર્ચ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે ઓડિશાની એક મેડિકલ વિદ્યાર્થિની સાથે દુર્ગાપુરમાં અજાણ્યા લોકોએ કથિત રીતે દુષ્કર્મ આચાર્યું હતું. ઓડીશાથી દુર્ગાપુર પહોંચેલા છોકરીના માતા-પિતાએ ન્યુ ટાઉનશીપ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. અધિકારીએ જણાવ્યું કે, પીડિતા જે પ્રાઈવેટ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતી હતી ત્યાં જ તેની સારવાર કરવામાં આવી રહી છે, પીડિતાની સ્થિતિમાં હાલમાં સુધારો આવ્યો છે અને પોલીસ અધિકારીઓને તેણે પોતાનું નિવેદન પણ આપ્યું છે.