Last Updated on by Sampurna Samachar
પોલીસે ૪૫ વર્ષીય આરોપીની ધરપકડ કરી
૧૨ દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના જસદણમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક શખસે યુવતીનું અપહરણ કરીને ૧૨ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે જસદણના વાડી વિસ્તારમાંથી ૪૫ વર્ષીય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જસદણના શિવરાજપુર ગામનો રહેવાસી મોહન પુનાભાઈ પરમાર એક દોરાના કારખાનામાં મજૂરો લઈ જવાનું કામ કરતો હતો. આ દરમિયાન તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એક દિવસે મોહને કારખાનાની તમામ છોકરીઓ ફરવા ગઈ છે અને તેઓ ચોટીલામાં છે, તેમ કહીને પીડિત યુવતીને પોતાની કારમાં બેસાડીને અમદાવાદ લઈ ગયો હતો.
અપહરણ કરીને ૧૨ દિવસ સુધી ગોંધી રાખી
સમગ્ર મામલે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મોહન દ્વારા તેમની યુવતીનું અપહરણ કરીને ૧૨ દિવસ સુધી કોઈ જગ્યાએ ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.