Last Updated on by Sampurna Samachar
મોપેડ પર જઇ રહેલી યુવતી પાછળ શ્વાન પાછળ પડ્યું
સમગ્ર ઘટનાના કેમેરા ફૂટેજ સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતા શ્વાનોનો ત્રાસથી વાહનચાલકોને ભારે સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર શહેરના એક માર્ગ પરથી પસાર થઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતું કૂતરો દોડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ પોતાના મોપેડ પરથી કાબુ ગુમાવતા તેનું વાહન સીધું રસ્તા કિનારે આવેલા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ સમગ્ર ઘટનાના કેમેરા ફૂટેજ સામે આવ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવતી પોતાના મોપેડ પર સવાર થઈને સામાન્ય ગતિએ પસાર થઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર ઉભેલા એક રખડતા શ્વાને અચાનક યુવતીની મોપેડ પાછળ દોડવાનું શરૂ કર્યું હતું.
યુવતી હવામાં ફંગોળાઈ હતી
શ્વાન કરડશે તેવા ડર અને ગભરાટમાં યુવતીએ મોપેડની ગતિ વધારી હતી, પરંતુ કમનસીબે તે વાહન પરનું સંતુલન જાળવી શકી ન હતી. મોપેડ પૂરઝડપે રસ્તાની બાજુમાં રહેલા લોખંડના વીજ પોલ સાથે ભટકાતા યુવતી હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી.