Last Updated on by Sampurna Samachar
યુવતી બોરવેલમાં ફસાઈ જવાના કારણે તેનું શરીર ફુલાઈ ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલી ૨૨ વર્ષીય ઇન્દ્રા મિણાને બચાવવા માટે ચાલુ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ૩૪ કલાક બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. યુવતી બોરવેલમાં ફસાઈ જવાના કારણે તેનું શરીર ફુલાઈ ગયું હતું. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ છે. હાલમાં પોલીસે આ મામલે હત્યા કે આત્મહત્યાની શક્યતાઓને નકારી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે યુવતીનું મૃત્યુ કઈ રીતે થયું હતું.
મળતી માહિતી અનુસાર યુવતી ઇન્દ્રા મિણા વાડીમાં કામ કરતી વખતે અચાનક બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર દોડતું થયું હતું. ૩૪ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન યુવતીને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ઇન્દ્રા મિણાના પરિવારજનો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. તેઓ યુવતીના અચાનક અવસાનથી શોકમાં ગરકાવ છે. ગામના લોકો પણ આ ઘટનાથી દુઃખી છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં અમે તમામ પાસાઓ પરથી તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે યુવતીનું મૃત્યુ કઈ રીતે થયું હતું.