ઝડપાયેલા દારૂના જથ્થ્માંથી પોલીસે જ કરી દારૂની ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા )
ગીર સોમનાથ, તા.૫
ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં છાશવારે દારૂના મોટા જથ્થા ઝડપાતા હોય છે. પોલીસ દ્વારા આવો દારૂ પકડીને નાશ કરવામાં આવતો હોય છે. પરંતુ ગીર ગઢડામાં તો ચિત્ર કંઈક અલગ જ જાેવા મળ્યું. અહીં તો પોલીસ જ નાશ કરવામાં લઈ જવાતા દારૂની ચોરી કરવા લાગી. ગીર ગઢડામાં મોટા જથ્થામાં દારૂ પકડાયો હતો, જેનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ASI દ્વારા દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે PI ને જાણ થતાં તેઓએ ASI નો ઉધડો લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી.
ગીર-સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં છૂપાવી દીધો હતો. જોકે, આ દારૂ ચોરી કરતી વખતે જ પોલીસકર્મી પકડાઈ ગયો હતો. સમગ્ર ચોરીની બાબતની ઉના DY.SP ને જાણ થતાં ઉના પોલીસકર્મીએ ત્યાંથી દારૂ લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો અને બીજો જથ્થો આજુબાજુના ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધો. જોકે, ASI ફરાર થાય તે પહેલાં જ ગાડી સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લીધો હતો. PI એ મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કે, વધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની ? સાહેબે કીધું છે કે પૂરી જ દેજો.
દારૂના જથ્થાની ચોરી વિશે ASI મનુ વાજાએ સેમ્પલ હોવાનું કહી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમગ્ર બાબતે જિલ્લા પોલીસવડાએ ગીર ગઢડાના પોલીસ મથકના ASI મનુ વાજા વિરૂદ્ધ જાણવાજાેગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.