Last Updated on by Sampurna Samachar
CNG અને PNG ગેસના ભાવમાં ઘટાડો કરાયો
ગેલ ગેસ લિમિટેડએ નિવેદનમાં જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પબ્લિક સેક્ટરની કંપની ગેલ ગેસ લિમિટેડ દ્વારા ઘરેલું રસોઈ ગેસ અને CNG ના ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષ નિમિત્તે કંપનીએ પોતાના ગ્રાહકોને આ મોટી ભેટ આપી છે. નોંધનીય છે કે, ગેસના ભાવમાં આ ઘટાડો પાઇપલાઇન ટેરિફમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ લેવામાં આવ્યો છે.

અગાઉ દેશની સૌથી મોટી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ દિલ્હી અને NCR માં ઘરેલું PNG ના ભાવમાં રૂપિયા ૦.૭૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કર્યો હતો. આ પહેલા ‘થિંક ગેસએ પણ CNG રૂપિયા ૨.૫૦ પ્રતિ કિલો અને PNG માં રૂપિયા ૫ પ્રતિ ક્યુબિક મીટર સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી.
PNGRB એ ૧૬ ડિસેમ્બરે નવા સ્ટ્રક્ચરની જાહેરાત કરી હતી
ગેલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની ગેલ ગેસ લિમિટેડએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગેસના નવા ભાવ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં લાગુ થઈ ગયા છે.
કંપનીના એક અધિકારીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય અને રેગ્યુલેટર PNGRB સતત એવા નીતિગત પગલાં ભરી રહ્યા છે, જે CNG અને ઘરેલું PNG બજારના વિકાસ માટે અનુકૂળ અને આર્થિક રીતે ટકાઉ વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. PNGRB એ ૧૬ ડિસેમ્બરે નેચરલ ગેસ પાઇપલાઇન માટે નવા ટેરિફ સ્ટ્રક્ચરની જાહેરાત કરી હતી.