Last Updated on by Sampurna Samachar
૭,૬૧૬ કરોડ રૂપિયાના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી
અત્યાર સુધીમાં ૧૧ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી અપાઇ ચૂકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પહેલા મોદી સરકારે બિહારને લ્હાણી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બિહાર અને પાડોસી રાજ્યોમાં કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ૭,૬૧૬ કરોડ રૂપિયાના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ મંજૂરીઓ સાથે જ મોદી સરકાર બિહારને અત્યાર સુધીમાં ૧૧ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી ચૂકી છે.

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયોની બ્રીફિંગ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ૩,૧૬૯ કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ૪,૪૪૭ કરોડ રૂપિયાના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના ફોર-લેનને મોકામા-મુંગેર ખંડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
પ્રોજેક્ટના કારણે લગભગ ૧ કલાકનો સમય બચશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ બક્સરથી ભાગલપુર કોરિડોરનો એક ખંડ છે. તેનું રોકાણ રૂ. ૪,૪૪૭ કરોડનું હશે. આ દક્ષિણ બિહારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મોકામાથી મુંગેર સુધી તેની લંબાઈ ૮૨ કિલોમીટર છે. આ પ્રોજેક્ટના કારણે લગભગ ૧ કલાકનો સમય બચશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કેબિનેટે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈન સેક્શન (૧૭૭ કિમી) ને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ ૩,૧૬૯ કરોડ રૂપિયા છે. આ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.
અશ્વિની વૈષ્ણવે આગળ કહ્યું કે, આઝાદી પછી રેલવે કાર્ગો સતત ઘટી રહ્યો હતો. ૨૭ ટકાના નીચા સ્તરે પહોંચ્યા પછી હવે તેમાં વધારો થવા લાગ્યો છે. હવે મોડલ શેર લગભગ ૨૯ ટકા સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા લગભગ ૧૧ લાખ કરોડ રૂપિયા છે, જે એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. આનાથી રોજગાર વધી રહ્યો છે અને લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આવી જાહેરાતો અંગે એક ન્યૂઝ ચેનલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ ૧૨થી વધુ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન આપ્યું અને જણાવ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.