Last Updated on by Sampurna Samachar
શિક્ષકનું તેમજ વાલીઓનું નિવેદન નોંધવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયનો વિવાદ સામે આવ્યો છે. શાળાના એક શિક્ષકે વિદ્યાર્થી આભા કાર્ડનું ફોર્મ ભરીને ન લાવતા માર માર્યો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના વાલીએ આ મુદ્દે ફરિયાદ કરતાં શાળાના સંચાલકો દ્વારા શિક્ષક પાસેથી માફીપત્ર લખાવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નાલંદા વિદ્યાલયમાં કિરીટ પટેલ નામના શિક્ષકે ધોરણ ૯ માં અભ્યાસ કરતાં કૌશલ દેસાઈ નામના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. શિક્ષકના મારના કારણે વિદ્યાર્થીને ગળાના ભાગે ઈજા થઈ હતી. સમગ્ર મુદ્દે વિદ્યાર્થીના વાલીએ શાળાએ આવીને ફરિયાદ કરી હતી. બાદમાં શાળાએ માર મારનાર શિક્ષક પાસેથી માફીપત્ર લખાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થીને માર મારવાનો વિવાદ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે શાળામાં જઈને સ્થળ પર તપાસ કરશે. જેમાં શિક્ષકનું તેમજ વાલીઓનું નિવેદન નોંધવામાં આવશે. આ સિવાય શાળામાં હાજર CCTV ની પણ તપાસ કરવામાં આવશે. જો આ સમગ્ર મુદ્દે વાલીનો દાવો સાચો નીકળશે અને શિક્ષકે માર માર્યો હશે, તો શિક્ષક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.