Last Updated on by Sampurna Samachar
ચાઇનામાં એક કંપનીએ કુંવારા , છૂટાછેડા થનાર કર્મચારીઓને આપી વોર્નિંગ
કર્મચારીઓને કર્યુ વિચિત્ર ફરમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્ન કરવા, ઘર વસાવવું, કોઈને સાથે રહેવું કે પછી પોતાની રીતે જીવન જીવવું… આ બધી વસ્તુને લઈને દરેક વ્યક્તિની પોત-પોતાની સમજ અને પસંદ હોય છે. પરંતુ હવે આ વસ્તુ પર કોઈની નજર હોય તો શું કહી શકાય છે. હકીકતમાં ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે વિચિત્ર ફરમાન જાહેર કર્યું છે, જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.
ચીનના શેનડોંગ પ્રાંતમાં સ્થિત કંપની શેનડોંગ શુન્ટિયન કેમિકલ ગ્રુપ કંપની લિમિટેડે તેના કર્મચારીઓને એક વિચિત્ર ચેતવણી આપી છે. કંપનીએ તમામ કુંવારા અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં લગ્ન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો તે આવું નહીં કરે તો તેણે નોકરી ગુમાવવી પડશે.
થોડાક મહિનામાં લગ્ન કરી લેવા પડશે
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, કંપનીએ નોટિસમાં કહ્યું હતું કે, “છૂટાછેડા લીધેલા લોકો સહિત ૨૮ વર્ષથી ૫૮ વર્ષની વયના તમામ અપરિણીત કર્મચારીઓએ આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં લગ્ન કરીને સ્થાયી થવું પડશે.” જો તેઓ આમ નહીં કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કંપનીના આ ર્નિણયની ટીકા થઈ ત્યારબાદ તેને પરત લેવામાં આવ્યો છે.
કંપનીએ આશ્વાસન આપવું પડ્યું કે કોઈ કર્મચારીને તેની લગ્નની સ્થિતિના આધાર પર કાઢી મુકવામાં આવશે નહીં. પરંતુ, કંપનીએ પરંપરાગત ચાઈનીઝ મૂલ્યો જેમ કે કૌટુંબિક મૂલ્યોને પ્રોત્સાહન આપતા તેની નીતિનો પણ બચાવ કર્યો છે. કંપનીએ તેના ખુલાસામાં કહ્યું કે લગ્ન દરમાં સુધારો કરવાની સરકારની માંગનો જવાબ ન આપવો એ વિશ્વાસઘાતી છે. માતા-પિતાની વાત ન સાંભળવી એ પુત્રની ફરજ નથી. સિંગલ રહેવું એ બિલકુલ સારી વાત નથી.
કાયદાકીય જાણકારોએ પણ કંપનીના ર્નિણયને ખોટો ઠેરવ્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર એક સરકારી અધિકારીએ તે વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કંપનીનો આદેશ ચીનના લેબર કાયદા અને લેબર કોન્ટ્રાક્ટ કાયદાનો ભંગ છે. આ ર્નિણયની ચીનમાં ખુબ આલોચના થઈ જેથી કંપનીએ પાછળ હટવું પડ્યું છે.