Last Updated on by Sampurna Samachar
મેક્સિકોના વિપક્ષ તરફથી આ આંદોલનને ભરપૂર સમર્થન
હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ Gen Z આંદોલન શરૂ થઈ ગયા છે. હજારોની સંખ્યામાં યુવાનો મેક્સિકો સિટીમાં રસ્તા પર ઉતર્યા હતા. મેક્સિકોમાં સતત વધી રહેલા ભ્રષ્ટાચાર તથા કાયદો અને વ્યવસ્થાની લથડતી સ્થિતિ વિરુદ્ધ યુવાનો દેખાવો કરી રહ્યા છે. આ દરમિાયન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, લાઠી-દંડાથી હુમલા કર્યા હતા.

આ ઘર્ષણમાં ૧૦૦ પોલીસ જવાન કુલ ૧૨૦ લોકોને ઈજા થઈ હતી, જ્યારે ૨૦થી વધુની ધરપકડ કરાઈ છે. યુવાનોને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. બીજી તરફ મેક્સિકોના વિપક્ષ તરફથી આ આંદોલનને ભરપૂર સમર્થન આપવામાં આવી રહ્યું છે. યુવાનોના આ આંદોલનનું પ્રતીક સમુદ્રી ડાકુઓની ખોપરી દર્શાવતો ધ્વજ છે. મેક્સિકોના યુવાનો આ ઝંડો લઈને રસ્તા પર ઉતરી પડ્યા છે. મેક્સિકોમાં હાઈ પ્રોફાઈલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે.
મોરોક્કો, મેડાગાસ્કર, પેરૂ અને કેન્યામાં પણ આંદોલન
હાલમાં જ મિચોઆકન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી જ યુવાનોમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આ જ કારણસર દેશની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે આંદોલન શરૂ થઈ ગયું છે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામનો આરોપ છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ભીડને ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે અગાઉ નેપાળમાં પણ આ જ પ્રકારે યુવાનોનું હિંસક આંદોલન થયું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ અચાનક જ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં હિંસામાં અનેક લોકોના મોત થયા હતા.
આ સ્થિતિમાં વડાપ્રધાને રાજીનામું આપી જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. નેપાળના અનેક નેતાઓ તથા મંત્રીઓ પણ હિંસાનો શિકાર થયા હતા. એટલું જ નહીં નેતાઓના ઘર સહિત નેપાળની સંસદ અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દરમિયાન મોરોક્કો, મેડાગાસ્કર, પેરૂ અને કેન્યામાં પણ આવા જ આંદોલન થયા હતા.