Last Updated on by Sampurna Samachar
ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર દબાણમાં હોવાનુ સામે આવ્યું
શોપિંગ મોલ, બજારો અને વ્યાવસાયિક વિસ્તારો વિરોધનું કેન્દ્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળ પછી હવે ઈરાનમાં પણ Gen Z પેઢી ખુલ્લેઆમ સરકાર સામે મેદાને ઉતરી આવી છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં યુવાનો “ધિસ ઇઝ ધ ફાઇનલ બેટલ” જેવા સૂત્રો સાથે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. આ નારાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે લોકો હવે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે અંતિમ લડાઈ માટે તૈયાર છે.

જનઆંદોલનનું મોટું કારણ દેશની ડગમગતી અર્થવ્યવસ્થા
ઈરાનમાં આ જનઆંદોલનનું સૌથી મોટું કારણ દેશની ડગમગતી અર્થવ્યવસ્થા છે. અમેરિકાના કડક પ્રતિબંધો અને પ્રાદેશિક સંઘર્ષોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર દબાણમાં છે. ઈરાનની કરન્સી રિયાલ ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં એક ડોલર સામે રિયાલની કિંમત ૧૪ લાખ સુધી પહોંચી હતી, જેના કારણે મોંઘવારી ભયાનક રીતે વધી ગઈ છે.
ખોરાક, દવાઓ અને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સામાન્ય લોકોની પહોંચ બહાર જઈ રહી છે. શરૂઆતમાં વેપારીઓ અને દુકાનદારો રસ્તાઓ પર ઉતર્યા, પરંતુ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને મધ્યવર્ગ પણ આ વિરોધમાં જોડાઈ ગયા.
Gen Z પેઢી માત્ર મોંઘવારીથી જ નહીં, પરંતુ વર્ષોથી ચાલતી કડક શાસન વ્યવસ્થા, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ અને ભવિષ્યની તકોના અભાવથી પણ નારાજ છે. યુવાનો માને છે કે દેશનું નેતૃત્વ તેમની સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ રહ્યું છે. આ કારણોસર આંદોલન હવે માત્ર આર્થિક નહીં, પરંતુ રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી રહ્યું છે. રસ્તાઓ પર અથડામણ, સુરક્ષા દળોની કડક કાર્યવાહી તેહરાન અને મશહદ જેવા શહેરોમાં પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે તીવ્ર અથડામણો જોવા મળી.
ઈરાનના વિરોધી સંગઠનના જણાવ્યા મુજબ, જુમહૂરી સ્ટ્રીટ, નાસેર ખોસરો સ્ટ્રીટ અને ઈસ્તાંબુલ સ્ક્વેર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસ અને લાઠીચાર્જ કર્યો, છતાં વિરોધ ચાલુ રહ્યો. સરકારી કચેરીઓ અને વ્યાવસાયિક વિસ્તારો આસપાસ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે.
Gen Z દ્વારા શરૂ થયેલો આ બળવો ઈરાન માટે એક મોટો ચેતવણી સંકેત છે. વધતી મોંઘવારી, બેરોજગારી અને અસંતોષ જો યથાવત્ રહ્યો, તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલ સમગ્ર દુનિયાની નજર ઈરાન પર છે કે આ યુવા બળવો માત્ર વિરોધ સુધી સીમિત રહેશે કે પછી દેશના ભવિષ્યની દિશા બદલી નાખશે.