Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં લગભગ ૧૨ લોકો ઘવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાઝિયાબાદમાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વહેલી સવારે અનેક વાહનો અથડાયા હતાં. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પણ બે ડઝનથી વધુ ગાડીઓ અથડાઈ હતી. પેરિફેરલ હાઈવે પર ૪૦ ગાડીઓ, તો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ૨૫ ગાડીઓ અથડાઈ હતી. બંને દુર્ઘટનામાં અનેક લોકો ઘવાયા હતા.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર કલછીના નજીક સવારે ધુમ્મસના કારણે ૨૫ થી વધુ ગાડીઓ અથડાઈ હતી. દુર્ઘટનામાં લગભગ ૧૨ લોકો ઘવાયા હતા. એક્સપ્રેસ વે પર ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં એનએચઆઈએના કર્મીઓ તથા ભોજપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અન્ય લોકોની મદદથી લોકોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને ગાઝિયાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુરાદનગરના રેવડા રેવડી ગામ નજીક ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર આશરે ૧૦ વાગ્યે ૪૦ વાહનો અથડાયા હતા. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જ્યાં આ અકસ્માત બાદ ભારે ટ્રાફિક સર્જાયો હતો.
બલિયામાં અગાઉ ૨૪ જાન્યુઆરીએ ધુમ્મસના કારણે બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં બલિયાના રહેવાસી શુભમ સોની, શિવમ વર્મા મૃત્યુ પામ્યા હતા. જ્યારે ટેમ્પો ડ્રાઈવર મોહિત રાજભર પણ ટેમ્પોમાં ફસાઈ જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.